નવી દિલ્હી: આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને તેલુગૂદેશમ પાર્ટીના અધ્યક્ષ એન. ચંદ્રાબાબુ નાયડુએ મહાગઠબંધનના ભવિષ્યની યોજના પર ખડગપુરમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે બંધબારણે ચર્ચા કર છે. ટીએમસીના ઉચ્ચપદસ્થ સૂત્રો પ્રમાણે, મમતા બેનર્જી અને ચંદ્રાબાબુ નાયડુની મુલાકાત ગુરુવારે સાંજે લગભગ 15 મિનિટ સુધી ચાલી હતી.

ટીએમસીના એક વરિષ્ઠ સદસ્યે પીટીઆઈને જણાવ્યું છે કે બંને નેતાઓએ મહાગઠબંધનના ભવિષ્યની યોજના પર વાત કરી છે. બંનેએ ટીડીપીના નેતાઓની બુધવારે નવી દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની મુલાકાત સંદર્ભે પણ વાતચીત કરી હતી.
આ સવાલ પર કે શું 21 મેના રોજ વિપક્ષી દળોની પ્રસ્તાવિત બેઠકમાં મમતા બેનર્જી સામેલ થશે, ટીએમસીના નેતાએ કહ્યુ છે કે બેઠકની તારીખ હજી નક્કી કરી નથી. તેમણે કહ્યુ છે કે બની શકે છે કે બેઠક કેટલાક દિવસ સુધી ટાળવામાં આવે અને 23મી મે બાદ આયોજીત કરવામાં આવે. મમતા દીદી આમા ભાગ લઈ શકે છે.
ટીએમસીના નેતાનું કહેવું છે કે માનવામાં આવે છે કે બંનેએ વીવીપેટના મુદ્દા પર અને લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં અત્યાર સુધી થયેલી મતદાનની ટકાવારી સંદર્ભે ચર્ચા કરી છે. આના પહેલા નાયડુએ ગુરુવારે ખડગપુરમાં ટીએમસીની એક જાહેરસભામાં મમતા બેનર્જી સાથે ભાગ લીધો હતો.