સીબીઆઈએ ભાગેડું હીરા કારોબારી જતિન મહેતા વિરુદ્ધ બે નવી એફઆઈઆ દાખલ કરી છે. બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ 587.55 કરોડ રૂપિયાની બેંક લોનમાં ફ્રોડ કરવાના મામલે ફરિયાદ કરી હતી.
જતિન મહેતા પર આરોપ છે કે તેણે બેંક ઓફ મહારાષ્ટ્રમાંથી 323.40 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. તો યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને જતિન મહેતાને કારણે 264.15 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
બંને બેંકો તરફથી ફરિયાદ મળ્યા બાદ સીબીઆઈએ અલગ અલગ મામલામાં બે કેસ નોંધ્યા છે. સીબીઆઈએ વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી વિરુદ્ધ બે કેસ નોંધ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, સીબીઆઈએ જતિન મહેતા અને અન્ય વિરુદ્ધ ત્રણ મામલામાં કેસ નોંધ્યા છે. જેમાં એક વિદેશી નાગરીકનું નામ પણ સામેલ છે. 700 કરોડના આ બેંક ગોટાળામાં જતિન મહેતા અને અન્ય વિરુદ્ધ સીબીઆઈએ કુલ નવ મામલા નોંધ્યા છે.
સીબીઆઈએ 700 કરોડથી વધારે બેંક ફ્રોડના મામલામાં મુંબઈ, અમદાવાદ અને કોઈમ્બતૂરમાં હીરા કારોબારી જતિન મહેતા અને તેની કંપનીના અન્ય રોકાણકારોના મકાનોની તલાશી લીધી છે.
સીબીઆઈએ જતિન મહેતાની મુંબઈ અને અમદાવાદ ખાતેની મિલ્કતોની પણ તલાશી લીધી છે. જતિન મહેતા સિવાય રમેશ પારેખની મિલ્કતો પર પણ સીબીઆઈએ દરોડા પાડયા છે.
જતિન મહેતા વિનસમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડના ચીફ પ્રમોટર છે. જતિન મહેતા વિરુદ્ધ એફઆઈઆરમાં ગુનાહિત ષડયંત્ર, ફ્રડો અને સરકારી કર્મચારીઓના દુરુપયોગના મામલા નોંધવામાં આવ્યા છે. જતિન મહેતા પર સાત હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થવાનો આરોપ છે અને 2012થી તેમના કોઈ ખબર નથી.
મહત્વપૂર્ણ છે કે જતિન મહેતાએ યુપીએના કાર્યકાળ દરમિયાન પ્રાઈવેટ અને પબ્લિક સેક્ટરની 13 બેંકોમાંથી સાત હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. જ્યારે તેના અવેજમાં તેમણે કોઈપણ નક્કર સંપત્તિ એક્સચેન્જ તરીકે ઓફર કરી ન હતી.