બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને વડાપ્રધાન બોરિસ જોનસનને પત્ર લખીને અનુચ્છેદ-370 પર મોદી સરકારના નિર્ણયને ભારતનો આંતરીક મામલો ગણાવ્યો છે. બ્રિટિશ સાંસદે લખ્યું છે કે આપણે કોઈ અન્ય દેશના આંતરીક મામલામાં હસ્તક્ષેપ કરતા નથી અને ભારત જેવા મિત્ર દેશોના આંતરીક મુદ્દાઓમાં તો બિલકુલ નહીં. બૉબે લક્યુ છે કે ભારત સરકારે દેશના તમામ નાગરિકોને સમાન અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે અને શું એક લોકશાહી દેશમાં આ નિર્ણયનો વિરોધ કરવો યોગ્ય છે? તેમણે એ વાત પર નારાજગી વ્યક્ત કરી છે કે લેબર પાર્ટીના કેટલાક સાંસદ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
સાંસદ બૉબે યાદ અપાવ્યું છે કે અનુચ્છેદ-370 હટાવવી ભાજપનો ચૂંટણીનો વાયદો હતો અને તેણે પોતાના ઘોષણાપત્રનો વાયદો પૂર્ણ કરવાનો પુરો અધિકાર છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે આ મોદી સરકારનો બીજો કાર્યકાળ છે અને લેબર પાર્ટીના સાંસદોએ એ ભૂલવું જોઈએ નહીં કે તે આ વખતે ગત વખત કરતા પણ વધારે મજબૂત બહુમતી લઈને સત્તામાં આવ્યા છે. સાંસદ બોબે સવાલ કર્યો છે કે એક લોકશાહી ઢબે ચૂંટાયેલી સકરારને પોતાનો વાયદો પુરો કરવાના અધિકાર નથી શું?
બૉબ બ્લેકમેને લખ્યું છે કે ભારત સરકાર દ્વારા અનુચ્છેદ-370ની જોગવાઈઓને સમાપ્ત કરવી અને જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કરવાથી સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ થશે અને રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન મળશે. તેમણે લખ્યું ચે કે 70 ટકા બૌદ્ધોની વસ્તી ધરાવતા લડાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવો એ દર્શાવે છે કે ભારત તમામ ધર્મો અને સંપ્રદાયો પ્રત્યે સહિષ્ણુ વલણ ધરાવે છે. લેબર પાર્ટી હિંદુ વિરોધી અને ભારત વિરોધી બની ગઈ છે, જે વિશ્વના સૌથી મોટા લોકતંત્રથી આપણા સંબંધોને બગાડવા ચાહે છે. હજારો કાશ્મીરી પંડિતોને ઈસ્લામ કબૂલ નહીં કરવા પર યા તો મારી નાખવામાં આવ્યા હતા અથવા તો પછી પોતાની માતૃભૂમિમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ અત્યાચારપૂર્ણ ઈતિહાસને નજરઅંદાજ કર્યા વગર ભારત સરકાર પર જમીન છીનવવા અને હિંદુ નાગરિકોને વસાવવા જેવા ઉશ્કેરણીજનક આરોપ લગાવાય રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે કેટલાક સાંસદોએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને પત્ર લખીને ભારત સરકારની ટીકા કરી હતી. તેમમે બ્રિટનને ભારત, કાશ્મીર અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાની સલાહ આપતા લખ્યું હતું કે ભારત કાશ્મીર પર કબજો કરવાની કોશિશ કરી રહ્યું છે. આ સાંસદોએ મોબ લિન્ચિંગના રોદણા પણ રડયા અને લખ્યું કે કાશ્મીરને નવી દિલ્હીએ ગુલામ બનાવી લીધું છે. પત્ર લખનારા સાંસદાઓ ખાલિદ મહમૂદ, ફૈસલ રાશિદ, શબાના, મહમૂદ, મોહમ્મદ રાશિદ અને અન્ય સામેલ હતા.
આ મુસ્લિમ સાંસદોએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીરમાં હિંદુઓને વસાવીને રાજ્યને હિંદુ બહુલ બનાવવા ચાહે છે. સાંસદ બોબ બ્લેકમેને આ મુસ્લિમ સાંસદોના પત્ર પર ટીપ્પણી કરતા લખ્યું કે કન્ઝર્વેટિવ પાર્ટીને લેબર પાર્ટીની વિભાજનકારી નીતિઓથી બચાવવી જોઈએ અને એકતાને પ્રોત્સાહીત કરવી જોઈએ. બૉબે શીખ, યહુદી અને જૈનનું ઉદાહરણ આપતા કહ્યુ કે અલગ-અલગ સંપ્રદાયોનું સમ્માન કરવું અને તેને પ્રોત્સાહન આપવું ભારતનો જૂનો ઈતિહાસ રહેલો છે.