પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરનારી તૃણમૂલ કોંગ્રેસના જખમો પર મીઠું ભભરાવતા ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને ‘જય શ્રીરામ’ લખેલા દસ લાખ પોસ્ટકાર્ડ્સ મોકલવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળથી ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ અર્જુન સિંહે કહ્યું, ‘અમે મુખ્યમંત્રીના નિવાસસ્થાને 10 લાખ પોસ્ટકાર્ડ્સ મોકલવાનો નિર્ણય કર્યો છે જેના પર ‘જય શ્રીરામ’ લખ્યું હશે.’
તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા સિંહ સામાન્ય ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તેમણે આ વાત ભાજપ કાર્યકર્તાઓના સમૂહ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ થયા પછી કહી જે તે સ્થળની બહાર પ્રદર્શન દરમિયાન ‘જય શ્રીરામ’ના નારા લગાવી રહ્યા હતા, જ્યાં તૃણમૂલ કોંગ્રેસના નેતા બેઠક કરી રહ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસ સૂત્રોએ કહ્યું કે પાર્ટીના નેતા 24 પરગણા જિલ્લાના કાંચરાપાડામાં ભેગા થયા હતા જેથી પાર્ટીની તે ઓફિસોને ફરીથી પાછી લેવાની રણનીતિ બનાવી શકાય જેને ભાજપ કાર્યકર્તાઓએ લઇ લીધી છે.