બીજેપી સાંસદે લાઇન તોડીને કર્યું વોટિંગ, નારાજ થયેલા મતદાતાઓ બોલ્યા- અમે શું બેવકૂફ છીએ?
લોકસભા ચૂંટણી માટે આજે ચોથા તબક્કાના મતદાનમાં યુપીની 13 લોકસભા સીટ્સ માટે મતદાન થયું. તેમાં હોટ સીટ મનાતી ઉન્નાવ સીટ પર બીજેપીથી સાક્ષી મહારાજ ચૂંટણી લડી રહ્યા છે. સોમવારે બીજેપી ઉમેદવાર સાક્ષી મહારાજે પણ ગગનખેડા ગામમાં પોતાનો મત આપ્યો. સાક્ષી મહારાજ સવારે જ્યારે આઠ વાગે વોટ નાખવા પહોંચ્યા તો મતદાતાઓની લાંબી લાઈન લાગી હતી. આ લાઈનને અવગણીને સાક્ષી મહારાજ સીધા બૂથની અંદર વોટ આપવા પહોંચી ગયા.
સાક્ષી મહારાજના આવા વલણથી સામાન્ય મતદારો નારાજ થઈ ગયા. વોટ નાખવા આવેલી એક મહિલાએ આ બાબતે વાંધો ઉઠાવતા કહ્યું, તેમણે પણ લાઈનમાં ઊભા રહેવું જોઈએ. જો મોદીજી લાઇનમાં ઊભા રહી શકે તો તેમણે પણ ઊભા રહેવું જોઈએ. અન્ય એક મતદાતાએ કહ્યું, તેમણે આમ કરીને ખોટું કર્યું છે. તમે અમને સામાન્ય માણસોને શું બેવકૂફ સમજો છો? ત્યાં હાજર ઘણા સાંસદોએ આવા વીઆઇપી વર્તન અંગે વાંધો ઉઠાવ્યો.
ઉન્નાવ લોકસભા સીટ પર કોંગ્રેસ ,બીજેપી, સપા-બસપા મહાગઠબંધન સહિત કુલ 9 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. બીજેપી તરફથી સાંસદ સાક્ષી મહારાજ, સપા-બસપા ગઠબંધનથી અરૂણ શંકર શુક્લા, કોંગ્રેસે અન્નુ ટંડનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીના સાક્ષી મહારાજે આ સીટ પરથી 5,18,834 વોટ્સ મેળવ્યા હતા. તેમણે પોતાના પ્રતિદ્વંદી સમાજવાદી પાર્ટીના અરૂણ શંકર શુક્લાને ભારે અંતરથી હરાવ્યા હતા. ઉન્નાવ લોકસભા સીટ પર બસપા ત્રીજા સ્થાને અને કોંગ્રેસ ચોથા સ્થાન પર રહી હતી.