ભાજપના સાંસદ વિરેન્દ્રકુમાર બનશે 17મી લોકસભાના પ્રોટેમ સ્પીકર, નવા સાંસદોને અપાવશે શપથ
ભાજપના સાંસદ વિરેન્દ્રકુમાર 17મી લોકસભાના પ્રોટેમ સ્પીકર હશે. 17 અને 18 જૂનના રોજ પ્રોટેમ સ્પીકર તરીકે વિરેન્દ્ર કુમાર નવનિર્વાચિત સાંસદોને પદ અને ગુપ્તતાના શપથ અપાવશે. વિરેન્દ્ર કુમાર પણ છ ટર્મ સાંસદ તરીકે ચૂંટાયા છે અને તેઓ દલિત સમુદાયમાંથી આવે છે.
17મી લોકસભાનું પહેલું સત્ર 17મી જૂનથી 26 જુલાઈ સુધી ચાલવાનું છે. આ બજેટ સત્ર હશે. 17મી જૂને લોકસભા સત્ર શરૂ થયા બાદ પહેલા બે દિવસ સુધી નવનિર્વાચિત સાંસદોને શપથ અપાવામાં આવશે. 19 જૂને લોકસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. તેના પછી રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોની સંયુક્ત બેઠકને 20મી જૂને સંબોધિત કરશે. આ વાતની જાણકારી માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આપી છે.
4 જુલાઈએ લોકસભામાં સરકાર આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. પાંચમી જુલાઈએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પૂર્ણ બજેટ રજૂ કરશે. નાણાંકીય વર્ષ 2019-20 માટે વચગાળાનું બજેટ તત્કાલિન નાણાં પ્રધાન પિયૂષ ગોયલે પહેલી ફેબ્રુઆરી-2019ના રોજ રજૂ કર્યું હતું.
મોદી સરકારના બીજા કાર્યકાળની પહેલી કેબિનેટ બેઠકમાં 31 મેના રોજ સત્રની તારીખો મામલે નિર્ણય કરવામાં આવ્યો હતો. 30મી મેના રોજ રાષ્ટ્રપતિભવનમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે કુલ 57 પ્રધાનોએ શપથ લીધા હતા. જેમાં 24 કેબિનેટ, 9 રાજ્ય પ્રધાન (સ્વતંત્ર પ્રભાર) અને 24 રાજ્ય પ્રધાનોએ શપથ લીધા હતા. અમિત શાહને ગૃહ પ્રધાન, નિર્મલા સીતારમણને નાણાં પ્રધાન, રાજનાથને સંરક્ષણ પ્રધાન, એસ. જયશંકરને વિદેશ પ્રધાન અને નીતિન ગડકરીને સડક તથા પરિવહન પ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.