ઓટો સેક્ટરની રિવર્સ જર્ની ચાલુ, કારોના વેચાણમાં 24 ટકા ઘટાડામાં સંભળાઈ રહી છે મંદીની આહટ
નવી દિલ્હી: દેશના ઓટો સેક્ટરની બદતર પરિસ્થિતિ હાલ સુધરતી દેખાઈ રહી નથી. ઘરેલુ પ્રવાસી કારોના વેચાણમાં ઘટાડો ચાલુ છે. જૂનમાં તેમાં 24.07 ટકાનો ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો. કુલ વાહનોના વેચાણમાં પણ 17 ટકાથી વધારે ઘટાડો આવ્યો છે. આ સેક્ટર પર નજર રાખનારા વિશેષજ્ઞો પ્રમાણે, જીએસટીના કારણે ઉંચી પડતર, ઓછી માંગ અને પુરતી રોકડની તંગી જેવા મુખ્ય કારણ છે.
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ પ્રમાણે, ડોમેસ્ટિક માર્કેટમાં પ્રવાસી કારનું વેચાણ જૂન-2018 દરમિયાન વેચવામાં આવેલી 183885 કારોના મુકાબલે 139628 કારો પર આવી ગયું છે.
અન્ય પ્રવાસી વાહનોમાં પણ ભારતમાં વેચાનારા યુટિલિટી વાહનોની સંખ્યા જૂન-2019માં 0.99 ટકા ઘટીને 72917 રહી ગઈ છે. ગત મહીને કુલ 13187 વાન વેચાઈ હતી. તેમાં જૂન-2018ના મુકાબલે 18.7 ટકાનો ઘટાડો થયો છે. કુલ મળીને પ્રવાસી વાહનોનું વેચાણ જૂનમાં 17.54 ટકા ઘટીને 273748 વાહનોના મુકાબલે 225732 વાહન રહી ગયા છે.
ઓટો સેક્ટરમાં ઘટાડાનો સિલસિલો ગત ઘણાં મહીનાથી ચાલુ છે. દેશની ઓટો ઈન્ડસ્ટ્રી હાલના દિવસોમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. પેસેન્જર વ્હીકલ અને કારોના વેચાણના કારણે ઈન્ડસ્ટ્રીને સતત આંચકો લાગી રહ્યો છે. પરિસ્થિતિ એ છે કે દેશની સૌથી મોટી ઓટો કંપની મારુતી સુઝુકીએ પોતાના પ્રોડક્શનમાં ભારે ઘટાડો કર્યો છે. ઓટો ઈન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે જો આવી જ પરિસ્થિતિ રહે તો નોકરીઓ પર સંકટના વાદળા ઘેરાઈ શકે છે.
મે માસમાં પણ કારોના વેચાણમાં ઘટાડો આવ્યો હતો. સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી સહીત ચાર સૌથી મોટી ઓટોમોબાઈલ કંપનીઓએ કહ્યુ છે કે મે માસમાં ઓટો સેલ્સમાં 20 ટકાનો ઘટાડો આવ્યો છે. આમ અર્થવ્યવસ્થામાં ઘટાડાને કારણે થયું છે. આવું એટલા માટે થયું છે, કારણ કે બજારમાં માંગની કમી છે અને સ્ટોક ભરેલો છે.
આ પહેલા પેસેન્જર વ્હીકલ એટલે પ્રવાસી વાહનોના વેચાણમાં એપ્રિલ માસમાં પણ 17 ટકા ઘટાડો નોંધાયો છે. આ ઓક્ટોબર-2011 બાદથી અત્યાર સુધીની એટલે કે ગત આઠ વર્ષની સૌથી મોટો ઘટાડો હતો. ઓક્ટોબર-2011માં વેચાણમાં 19.87 ટકાનો ઘટાડો થયો હતો.