લોકસભા ચૂંટણીમાં બેહદ નિરાશાજનક પ્રદર્શન બાદ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતની મુશ્કેલીઓ વધી રહી છે. શનિવારે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અશોક ગહલોત સહીત ઘણાં વરિષ્ઠ નેતાઓ માટે કહ્યુ હતુ કે તેમણે ચૂંટણીમાં પાર્ટીથી વધારે પોતાના દીકરાઓના હિતને જોયું. હવે રાજસ્થાન સરકારના બે પ્રધાનોએ રાહુલ ગાંધીને એ વલણનું સમર્થન કરતા માગણી કરી છે કે મુખ્યપ્રધાન ગહલોત રાજ્યમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા આત્મવિશ્લેષણ કરે.
અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, રાજસ્થાન સરકારમાં કોઓપરેટિવ પ્રધાન ઉદયલાલ અંજાનાએ કહ્યુ હતુ કે રાજ્યમાં ચર્ચા છે કે જો મુખ્યપ્રધાન (પુત્રથી) મુક્ત હોત તો વધુ ચૂંટણી ક્ષેત્રોમાં કામ કરી શકત. જ્યારે ખાદ્ય અને નાગરિક આપૂર્તિ પ્રધાન રમેશચંદ મીણાએ ચેતવણી આપી હતી કે આ હારને હળવાશથી લેવી જોઈએ નહીં. અહેવાલ છે કે મીણાએ કહ્યુ છે કે કોંગ્રેસ અધ્યક્ષે જે કહ્યુ તે બિલકુલ સાચું છે. આત્મવિશ્લેષણ થવું જોઈએ. પાર્ટીએ આટલી માટો હારના કારણોની જાણકારી મેળવવી જોઈએ. આને હળવાશથી લઈ શકાય નહીં. જે પણ તેમણે (રાહુલ ગાંધી) કહ્યુ તે નકામું જવું જોઈએ નહીં, જેથી ભવિષ્યમાં આવા પ્રકારની હાર જોવા મળે નહીં.
તો અંજાના રાજસ્થાનમાં થયેલી ટિકિટ વહેંચણીને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે ઘણાં કારણો હોઈ શકે છે. તેમના પુત્ર એક કારણ હોઈ શકે છે. ટિકિટ વહેંચણીમાં કેટલીક સમસ્યાઓ હતી. તે ઠીક પ્રકારથી વહેંચવામાં આવી નથી. અન્ય સમસ્યાઓનું સમયસર સમાધાન કરવામાં આવ્યું નહીં. અંજાનાએ આગળ કહ્યુ છે કે હું એટલો મોટો નથી કે તેમના રાજીનામાની માગણી કરું. પરંતુ તેમણે (ગહલોત) આત્મવિશ્લેષણ કરવું જોઈએ, દરેકે કરવું જોઈએ.
આ પહેલા શનિવારે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે અશોક ગહલોત, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ અને પાર્ટીના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ચૂંટણીમાં પુત્રહિંતને પાર્ટીથી ઉપર રાખ્યું. અહેવાલ છે કે કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ છે કે ગહલોત લગભગ એક સપ્તાહ સુધી પોતાના પુત્ર માટે કેમ્પેન કરતા રહ્યા, બાકીની બેઠકોની તેમણે ઉપેક્ષા કરી. જો કે તેમ છતાં ગહલોતના પુત્ર વૈભવની 2.7 લાખ વોટથી હાર થઈ છે.