અમદાવાદઃ ગુજરાતમાં અનલોકમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નવરાત્રિ પર્વમાં કચ્છમાં સુપ્રસિદ્ધ આશાપુરા માતાજીના મઢમાં ભક્તો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે આ વર્ષે ઇતિહાસમાં કદાચ પહેલીવાર સદીઓની પરંપરા તૂટશે.
કચ્છમાં માતાજીના મઢમાં દર વર્ષે નવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેમજ લાખોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ભક્તો આવે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહીં. પ્રાંત અધિકારી અને ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નવરાત્રિ પર્વમાં ભક્તો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ તા. 23મી ઓક્ટોબરથી તા. 25મી ઓક્ટોબર સુધી ભક્તો માટે મંદિર બંધ રાખવાનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે રાજ્યમાં તમામ મંદિરો બે મહિના સુધી ભક્તોના દર્શન માટે બંધ રહ્યાં છે. એટલું જ નહીં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો પણ રદ કરવામાં આવ્યો હતો. અંબાજીમાં ભાદરવી પૂનમમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા પહોંચે છે.