યુએન, દેશના ઘણાં વિસ્તારોમાં તાજેતરમાં થયેલી મોબ લિંચિંગની ઘટનાઓએ દરેકને ચિંતામાં નાખી દીધા છે. ઝારખંડમાં તબરેઝ અંસારીને જય શ્રીરામના સૂત્રો લગાવવાના કારણે ભીડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હવે આ મામલો સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે. જ્યાં એક એનજીઓએ આ મુદ્દા બાબતે ઉલ્લેખ કર્યો છે. આ મુદ્દા પર એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારને ઘેરી છે. ઓવૈસીએ લખ્યુ છે કે આરએસએસવાળાઓએ એવા કારનામા કર્યા છે, જેની ચર્ચા આજે સંયુક્ત રાષ્ટ્રમાં પણ થઈ રહી છે.
હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે ટ્વિટર પર લખ્યુ કે શાબાશ, સંઘી મોબ લિંચર્સ, તમે તમારા અમાનવીય કારણોના કારણે ભારતના સમ્માનને ઠેસ પહોંચાડી છે. જેનો ઉલ્લેખ સંયુક્ત રાષ્ટ્રમાં પણ કરાય રહ્યો છે. સ્કોટલેન્ડના જજે બિલકુલ યોગ્ય કહ્યુ છે કે આ બંધારણનું લિંચિંગ છે.
ઓવૈસીએ મોદી સરકાર પર નિશાન સાધતા લખ્યું છે કે મોદી સરકાર દેશની ઈકોનોમીને પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવા ચાહે છે, તે પણ ત્યારે જ્યારે નફરતને બંધારણીય રૂપ અપાય રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે અસદુદ્દીન ઓવૈસીએ જે વીડિયો શેયર કર્યો છે, તેમા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચ પર ઝારખંડ મોબ લિંચિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એનજીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે તબરેઝ અંસારીને ઝારખંડમાં હિંદુ ભીડે જય શ્રીરામના સૂત્રો નહીં લગાવવાને કારણે મારી નાખવામાં આવ્યો, તેના સિવાય એક મુસ્લિમ ટીચરને પણ માર મારવામાં આવ્યો.
એનજીઓએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે સત્તાધારી દળના પ્રતાપ સારંગીએ સંસદભવનમાં કહ્યુ છે કે જે લોકો હિંદુ નારા નથી લગાવી શકતા, તેમને દેશમાં કેમ રહેવું જોઈએ.
મહત્વપૂર્ણ છે કે આના પહેલા દેશમાં પણ આ મુદ્દાઓને લઈને વિવાદ થઈ ચુક્યો છે. સંસદમાં પણ વિપક્ષે આ મામલા પર સરકારને નિશાને લીધી હતી. એટલું જ નહીં, વડાપ્રધાન મોદીએ પણ પોતાના નિવેદનમાં આનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ હતુ કે આવા પ્રકારની ચીજોને દેશમાં સ્વીકારવામાં આવશે નહીં.