ગુજરાતમાં ચાલુ વર્ષે 176 જેટલા લાંચિયા બાબુ ઝડપાયાં
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ પણ લાંચિયા સરકારી બાબુઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 176 જેટલા લાંચિયા સરકારી અધિકારી-કર્મચારીઓ ઝડપાયાં છે. સરકારના 27 જેટલા વિભાગના આ અધિકારીઓ કુલ 65 લાખથી વધુની લાંચ લેતા ઝડપાયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ગૃહ વિભાગના 52, પંચાયત અને ગૃહ નિર્માણના 25, મહેસુલ વિભાગના 24 અને કૃષિ વિભાગના 13 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયાં હતા. ગૃહ વિભાગના અધિકારીઓ કુલ 9.60 લાખ, પંચાયત અને ગૃહ વિભાગના કર્મચારીઓ 21 લાખ, મહેસુલ વિભાગના કર્મચારીઓ 19.55 લાખ અને કૃષિ સહકાર વિભાગના કર્મચારીઓએ 3 લાખથી વધુની લાંચની માંગણી કરી હતી. લાંચ લેતા ઝડપાયેલા સરકારી કર્મચારીઓમાં વર્ગ-1ના 6, વર્ગ-2ના 35, વર્ગ-3ના 136 અને વર્ગ-4ના 3 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાંચિયા અધિકારીઓના 89 જેટલા મળતિયાઓને પણ ઝડપી લેવામાં આવ્યાં છે.
રાજ્યમાં કોરોના કાળમાં 176 જેટલા સરકારી બાબુઓ લાંચ લેવા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. એસીબીએ અન્ય લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે.