કલમ-370 : સુપ્રીમ કોર્ટમાંથી મોદી સરકારને મોટી રાહત, કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય પર રોકનો ઈન્કાર
- કલમ-370 મામલે નિર્ણયને પડકારી અરજીઓ પર સુનાવણી
- સુપ્રીમ કોર્ટે સરકારને જવાબ માટે વધુ ચાર સપ્તાહનો આપ્યો સમય
- મામલાની આગામી સુનાવણી 14 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ હાથ ધરશે
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને લઈને મોદી સરકારની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. અનુચ્છેદ – 370ના મામલાને પડકારનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે ચાર સપ્તાહનો વધુ સમય આપ્યો છે. હવે આ મામલાની આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે.
સુપ્રીમ કોર્ટે અરજદારોના એ અનુરોધને ફગાવી દીધો કે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને જવાબી એફિડેવિટ દાખલ કરવા માટે બે સપ્તાહથી વધુનો સમય આપવામાં આવે નહીં. સાથે જ કોર્ટે અનુચ્છેદ – 370ને રદ્દ કરવાની બંધારણીય કાયદેસરતાને પડકારી કોપણ નવી રિટ અરજી દાખલ કરવા પર રોક લગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાની માગણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના નિર્ણય પ્રમાણે, 31 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત કરવામાં આવશે.
આ વર્ષે પાંચમી ઓગસ્ટે
મોદી સરકારે અનુચ્છેદ – 370 સમાપ્ત કરવા અને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત
પ્રદેશોમાં વિભાજીત કરવાનો નિર્ણય કર્યો હતો. આ બંને નિર્ણયો અને રાજ્યમાં લાગેલા
પ્રતિબંધો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી, આ અરજીઓ પર
સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે બંધારણીય ખંડપીઠની રચના કરી છે.