એક તરફ કાશ્મીરમાં કલમ-370 અસરહીન કરાયા બાદ લોકો શાંતિથી ઈદની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ તથા નાણાં પ્રધાન જેવા ઉચ્ચ પદો પર રહી ચુકેલા વરિષ્ઠ એડવોકેટ પી. ચિદમ્બરમ આર્ટિકલ-370ને ધર્મ સાથે જોડીને નિવેદનબાજી કરી રહ્યા છે.
ચિદમ્બરમનું કહેવું છે કે જો કાશ્મીર હિંદુ બહુલ રાજ્ય હોત, તો ત્યાંથી આર્ટિકલ – 370 હટાવાત નહીં. ભાજપે બાહુબળના દમ પર તેને હટાવી છે.
કાશ્મીર પર પોતાના સ્ટેન્ડને લઈને કોંગ્રેસમાં પહેલા જ ઘણો અંતર્વિરોધ સામે આવી ચુક્યો છે. પાર્ટીના ઘણાં નેતા પાર્ટી લાઈનથી હટીને મોદી સરકારના આ પગલાનું સમર્થન કરી ચુક્યા છે. જેમાં જનાર્દન દ્વિવેદી, જ્યોતિરાદિત્ય સિંધિયા, દિપેન્દર હુડ્ડા, મિલિન્દ દેવડા અને અદિતિ સિંહ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.
ત્યારે ચિદમ્બરમે પણ કેટલાક સવાલોના જવાબ જરૂરથી આપવા જોઈએ કે-
શું જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવાયા વગર એવા ક્યાં વિકલ્પ હતા કે જેનાથી પાકિસ્તાનવાદી ભાગલાવાદ અને આતંકવાદને દૂર કરી શકાય?
શું જમ્મુ-કાશ્મીર હિંદુ બહુલ હોત તો હાલની ભાગલાવાદ અને આતંકવાદ જેવી સમસ્યાઓની પીડા ભારતને ભોગવવી પડી હોત, શું હિંદુ બહુલ જમ્મુ-કાશ્મીર હોત તો પાકિસ્તાનવાદી ભાગલાવાદ અને આતંકવાદ અહીં ચાલી શકત?
1990માં કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા હિંદુ કાશ્મીરી પંડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા તરીકે ચિદમ્બરમ સાહેબ તમે આટલા વર્ષના જાહેરજીવનમાં કોઈ નક્કર કામગીરી કરી હોય કે નક્કર લાગતી કામગીરી કરી હોય તેવું જણાવો?
શું ચિદમ્બરમ અનુચ્છેદ-370ને મજહબ સાથે જોડીને મુસ્લિમ વોટબેંકની રાજનીતિને જીવિત કરવાની રાજકીય કોશિશો કરી રહ્યા નથી અને જો આવી કોશિશો થઈ રહી છે તો શું તે કોંગ્રેસના નવા કાર્યાધ્યક્ષ સોનિયા ગાંધીના ઈશારે થઈ રહી છે?
ચિદમ્બરમ તમારા માટે પક્ષગત રાજનીતિ વધારે મહત્વની છે કે રાષ્ટ્રીય હિતો વધારે મહત્વપૂર્ણ છે?