જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસનને છ માસ લંબાવવા માટે શુક્રવારે લોકસભામાં ચર્ચા દરમયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચર્ચાનો જવાબ આપતા કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી. તે વખતે જ્યારે અમિત શાહે પંચાયત ચૂંટણી પર બોલી રહ્યા હતા, ત્યારે બાજૂમાં બેઠેલા રાજનાથસિંહે યાદ અપાવ્યું કે આ રાજીવ ગાંધીનું જ સપનું હતું. તેના તુરંત બાદ જ અમિત શાહે પોતાના ભાષણમાં પણ એ ક્હ્યુ અને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો.
અમિત શાહે કાશ્મીર મામલે ચર્ચા દરમિયાન જવાબ આપતા કહ્યુ હતુ કે કોંગ્રેસની સરકારોએ ક્યારેય કાશ્મીરના લોકોને પોતાના પંચાયત પ્રમુખ ચૂંટવા દીધા નથી. કોંગ્રેસના રાજમાં માત્ર ત્રણ પરિવારોનું જ રાજ ચાલ્યું. અમિત શાહે કહ્યુ છે કે આજે કાશ્મીર ખીણમાં 40 હજાર સરપંચ પોતાના કામ કરી રહ્યા છે, મોદી સરકારે સામાન્ય લોકોને અધિકાર આપ્યો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન જ્યારે આ બોલી રહ્યા હતા, ત્યારે કેન્દ્રીય સંરક્ષણ પ્રધન રાજનાથસિંહે તેમના કાનમાં ક્હ્યુ કે આ રાજીવ ગાંધીનું સપનું હતું. પછી શું અમિત શાહે પણ તાત્કાલિક આને લઈને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે પંચાયતની ચૂંટણી તો રાજીવ ગાંધીનું જ સપનું હતું, તે ખુદ જ આ ગૃહમાં તેનો પ્રસ્તાવ પણ લાવ્યા હતા. પરંતુ તેમનું આ સપનું જમ્મુ-કાશ્મીર સુધી પહોંચી શક્યું નહીં, હવે અમારી સરકાર ઘાટીના સામાન્ય લોકો માટે લોકશાહીના દરવાજા ખોલી રહી છે.
મહત્વપૂર્ણ છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ જ દેશમાં પંચાયતી રાજને મજબૂત કરવાનું કામ કર્યું હતું. પોતાના કાર્યકાળમાં તેમણે પંચાયતી રાજના મુસદ્દાને તૈયાર કરાવ્યો હતો. જો કે 1991માં તેમની હત્યા થઈ ગઈ હતી. પરંતુ 1992માં 73મા અને 7મા બંધારણીય સંશોધન દ્વારા પંચાયતીરાજની વ્યવસ્થાનો ઉદય થયો હતો.