ભારતીય જનતા પાર્ટી (બીજેપી) રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના મોદી સરકારમાં ગૃહમંત્રી બન્યા પછી હવે ચર્ચા એ વાતની છે કે પાર્ટીમાં આગામી અધ્યક્ષ કોણ હશે. અધ્યક્ષ પદને લઈને બીજેપીમાં મંત્રણાઓ પણ શરૂ થઈ ગઈ છે. શનિવારે ગૃહ મંત્રાલયનો પદભાર સંભાળ્યા પછી મોડી રાતે લગભગ 9 વાગ્યા સુધી અમિત શાહે પાર્ટી મહાસચિવોની સાથે બેઠક કરી. આ બેઠકમાં રાજ્યોના સંગઠનમાં જલ્દી ચૂંટણી કરાવવાને લઇને ચર્ચા થઈ, જેથી અધ્યક્ષ પદ પર ચૂંટણીનો રસ્તો જલ્દી સ્પષ્ટ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં પચાસ ટકાથી વધુ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે. આ પહેલા સપ્ટેમ્બર 2018માં બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી અધ્યક્ષ અમિત શાહનો કાર્યકાળ 6 મહિના માટે વધારવામાં આવ્યો હતો. હવે ચૂંટણીમાં બીજેપીને પ્રચંડ જીત મળી ગઈ છે અને અમિત શાહ ગૃહમંત્રી બની ગયા છે. એવામાં નવા અધ્યક્ષને લઇને ચર્ચા જોર પકડી રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે જેપી નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવમાં કોઇ એકના નામ પર અધ્યક્ષની મહોર લાગી શકે છે. સૂત્રોનું માનીએ તો જેપી નડ્ડા રેસમાં સૌથી આગળ છે. જેપી નડ્ડા રેસમાં એટલા માટે આગળ છે, કારણકે તેમના ચૂંટણી ઇન્ચાર્જ રહેવાથી બીજેપીએ યુપીમાં એકવાર ફરી મોટી જીત હાંસલ કરી છે અને છતાંપણ તેમને મોદી સરકારમાં મંત્રી નથી બનાવવામાં આવ્યા. એવામાં હવે એ જોવાનું છે કે બીજેપીના નવા અધ્યક્ષ તરીકે કોનું નામ આવે છે.