પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ આજે પોતાની પાર્ટીના કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ બીજેપી તરફથી એનડીએના સહયોગીઓ માટે ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીના પરિણામોના બરાબર બે દિવસ પહેલા થનારા આ કાર્યક્રમને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે.
મોટાભાગના એક્ઝિટ પોલ્સે એનડીએના બહુમતનું અનુમાન લગાવ્યું છે. પરિણામે સત્તાધારી પાર્ટીએ જશ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત એ પણ કહેવામાં આવી રહ્યું છેકે બીજેપી તરફથી સરકાર બનાવવાને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાર્ટીએ તમામ જિલ્લા મુખ્યાલયોને નિર્દેશ આપ્યો છે કે તેઓ જીતનારા ઉમેદવારને પરિણામોના બીજા દિવસે દિલ્હી પહોંચવા માટે કહે.
શાહ તરફથી એનડીએ સહયોગીઓ માટે આપવામાં આવી રહેલું ડીનર એ વાતનો ઇશારો છે કે બીજેપી ગઠબંધનને મજબૂત કરવાના વિચાર પર સંપૂર્ણપણે મજબૂતીથી મક્કમ છે. એ સાથે જ તે એ વાતનો પણ સંકેત છે કે બીજેપી એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવેલા અનુમાન પછી અતિશય આત્મવિશ્વાસુ પણ નથી.
બીજેપી અધ્યક્ષ અમિત શાહ ઘણીવાર એમ કહી ચૂક્યા છે કે બીજેપી પોતાના દમ પર 300 સીટ્સ મેળવી લેશે પરંતુ બીજેપી પોતાના સહયોગીઓ સાથે જ સરકાર બનાવશે. એનડીએમાં બીજેપી સાથે 39 પાર્ટીઓ છે. આ સાથે જ આ મીટિંગ એટલે પણ મહત્વપૂર્ણ છે કારણકે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પ્રજ્ઞા ઠાકુરના મહાત્મા ગાંધી સંબંધે આપામાં આવેલા નિવેદન પર નારાજગી દર્શાવી ચૂક્યા છે.
એક્ઝિટ પોલના અનુમાન પછી પાર્ટી હેડક્વાર્ટર પર પાર્ટી કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ છે. એક બીજેપી કાર્યકર્તાએ જણાવ્યું કે સાત તબક્કાના મતદાન દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે, પરિણામે પાર્ટી તરફથી કાર્યકર્તાઓને સોમવારે આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. 23 મેના રોજ પરિણામોની તૈયારી જોરશોરથી થઈ રહી છે.
બીજેપી મીડિયા સેલના જીતેન્દ્ર રાવત જણાવે છે કે અમારું સંપૂર્ણ ધ્યાન ચૂંટણી પર હતું. તમામની રજાઓ રદ કરી દેવામાં આવી હતી. અમે લોકો ચૂંટણી દરમિયાન સતત કામ કરી રહ્યા હતા અને સંપૂર્ણપણે આશ્વસ્ત હતા કે અમે 300નો આંકડો પાર કરી લઇશું.