કોરોનાની રસીને લઈને AMCની તૈયારી, અંદાજે 50 હજાર આરોગ્ય કર્મચારીઓને અપાશે રસી
અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ દેશમાં કોરોના વાયરસની રસીને લઈને અંતિમ તબક્કાનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેથી આગામી દિવસોમાં કોરોનાની વેક્સિન મળવાની આશા ઉભી થઈ છે. દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોના વાયરસની રસી મુદ્દે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ શહેરીજનોના ડેટા એકત્ર કરવામાં આવી રહ્યાં છે. પ્રથમ તબક્કામાં અંદાજે 50 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન આજે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મેડિકલ એસો.ના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં કોરોના મહામારી અને રસીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. હાલ ભારતમાં 3 રસીનું અંતિમ તબક્કાનું પરિક્ષણ ચાલી રહ્યું છે. જેથી નજીકના ભવિષ્યમાં જ કોરોનાની રસી ઉપલબ્ધ થશે. જેથી મનપાના અધિકારીઓની બેઠકમાં રસી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કોરોનાની કામગીરી સાથે જોડાયેલા અંદાજે 50 હજાર કેટલા આરોગ્ય કર્મચારીઓને પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવશે. આ ઉપરાંત હાલ શહેરીજનોના ટેડા એકત્ર કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા પણ કોરોનાની રસી અંગે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. આમ રસીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. મનપા તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.