ભારે સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા શરૂ, તીર્થયાત્રીઓનો પહેલો જત્થો બેસ કેમ્પ જવા થયો રવાના
જમ્મુ: અમરનાથ યાત્રા બમ બમ ભોલેના જયકારાઓની વચ્ચે સોમવારે શરૂ થઈ ચુકી છે. યાત્રા માટે 2234 શ્રદ્ધાળુઓનો પહેલો જત્થો બાલાટલ બેસ કેમ્પ માટે રવાના થયો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહોંચી રહેલા આ શ્રદ્ધાળુઓનું સ્થાન-સ્થાન પર સ્વાગત પણ કરવામાં આવ્યું છે. આ યાત્રા માટે સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. 46 દિવસ સુધી ચાલનારી આ તીર્થયાત્રા શરૂઆત જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કે. કે. શર્મા દ્વારા કરવામાં આવી છે.
93 વાહનોના પહેલા કાફલામાં 2234 તીર્થયાત્રીઓ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે રવાના થયા છે. ગત સપ્તાહે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાની મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં એજન્સીઓને એ વાતના નિર્દેશ આપ્યા હતા કે તેઓ આશ્વસ્ત કરે કે તીર્થયાત્રા સંપૂર્ણપણે સુરક્ષિત હોય. મહત્વપૂર્ણ છે કે આ તીર્થયાત્રાનું સમાપન 15મી ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે થશે.
બાબા બર્ફાનીના દર્શન માટે અત્યાર સુધી દેશભરમાંથી લગભગ દોઢ લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. આ યાત્રા અનંતનાગ જિલ્લાના 36 કિલોમીટરના લાંબા પરંપરાગત પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લાના 14 કિલોમીટર લાંબા બાલટાલના માર્ગથી કરવામાં આવે છે. કે. કે. શર્માએ કહ્યુ છે કે શાંતિપૂર્ણ અને સુચારુપણે યાત્રા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે 2017માં અનંતનાગમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અને તેમા આઠ તીર્થયાત્રીઓના જીવ ગયા હતા. આ યાત્રાળુઓ ગુજરાતી હતા.
130 મહિલાઓ, 7 બાળકો અને 45 સાધુઓ સહીત 1228 શ્રદ્ધાળુઓ પરંપરાગત પહલગામ માર્ગથી બાબા બર્ફાનીના દર્શન કરશે.
બાલટાલથી 203 મહિલાઓ, 10 બાળકો સહીત 1006 શ્રદ્ધાળુઓ યાત્રા પૂર્ણ કરશે.