- આનંદ શુક્લ
ભાજપની પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારના અલ્પેશ ઠાકોર ગુજરાત ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાના નામે રાજકારણ ખેલીને કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યા બાદ હવે પંજો છોડીને કેસરિયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક રીતે આ ભાજપ સાથેની પારિવારીક પૃષ્ઠભૂમિ ધરાવતા અલ્પેશ ઠાકોરની ઘરવાપસી છે. પરંતુ આ ઘરવાપસી અલ્પેશ ઠાકોરની પ્યાદા તરીકે થઈ રહી છે કે રાજકીય શતરંજમાં કિંગની ભૂમિકામાં થઈ રહી છે અથવા ભાજપમાં જોડાનારા અલ્પેશ ઠાકોર રાજકીય ચોપાટની “ગાંડી કુકરી” સાબિત થવાના છે. આમ તો અલ્પેશ ઠાકોર પોતાની રાજકીય કારકિર્દીના પહેલા દિવસથી પોતાને નેશનલ લીડર માની રહ્યા છે. એટલે ચર્ચાઓ તો એવી પણ શરૂ થઈ છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈને કેટલા પ્યાદા, કિંગ અને કિંગમેકરને ગાંડી કુકરી બનાવશે.
નીતિન પટેલ ફેક્ટરની હતી ચર્ચા-
પાટીદાર અનામત આંદોલન અને હાર્દિક પટેલ દ્વારા શરૂ થયેલા ઓબીસી અનામતની માગણી સાથેના રાજકારણ વખતે અલ્પેશ ઠાકોરે પણ ઓબીસી-ઠાકોર જ્ઞાતિ આધારીત રાજકારણ ખેલ્યું હતું. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના રાજકીય ઉદભવ વખતે નીતિન પટેલ ફેક્ટરની ચર્ચા ખાસી હતી, કારણ કે પ્રદેશ ભાજપના દિગ્ગજ અને વરિષ્ઠ નીતિન પટેલના શપથવિધિની પાંચ મિનિટ પહેલા સુધી સીએમ પદે વરણી વચ્ચે તેમની ગુજરાતના ડેપ્યુટી સીએમ પદે પસંદગી બાદ રાજ્યની સત્તાધારી પાર્ટીના આંતરીક સમીકરણો પણ અલગ દિશા પકડી રહ્યા હતા. આ દિશાને કારણે ભાજપની રાજકીય દશામાં 2017ની વિધાનસભાની ચૂંટણી રાજકીય દ્રષ્ટિએ એક માંઠો ગણી શકાય તેવો પડાવ હતો. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માંડમાંડ 99 બેઠકો મળી હતી. એટલે કે ભાજપને 1995 બાદની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત 100થી ઓછી બેઠકો મળી હતી. ખેર અત્યારે ભાજપના 100થી વધારે ધારાસભ્યો થઈ ચુક્યા છે. પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના આંતરીક સમીકરણોની રાજકીય અસરનો ફાયદો કોંગ્રેસે અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા ઉઠાવ્યો હતો.
શંકર ચૌધરી અલ્પેશ ઠાકોરની નજીક આવ્યા-
કોંગ્રેસમાં મહત્વકાંક્ષાઓની પૂર્તિ નહીં થવાને કારણે નારાજગી વખતે ઠાકોર સેનાની યાત્રા વખતે શંકર ચૌધરી દ્વારા સ્વાગતથી તેમના ભાજપમાં સામેલ થવાની ચર્ચા શરૂ થઈ હતી. શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની મુલાકાતો અને ગેનીબહેન ઠાકોરની પુત્રીના લગ્નમાં બંનેની હાજરીએ પણ ખાસી ચર્ચા જગાવી હતી. જો કે શંકર ચૌધરીને વાવ બેઠક પરથી 2017માં અલ્પેશ ઠાકોરના નિકટવર્તી ગેનીબહેન ઠાકોરે 6655ની સરસાઈથી હરાવ્યા હતા. ત્યારે શંકર ચૌધરી ફરીથી પ્રદેશ રાજનીતિમાં પોતાના રાજકીય કદને સાબિત કરવા માટે અલ્પેશ ઠાકોર સાથે ઘનિષ્ઠતા કેળવીને તેમને પોતાની રાજકીય શતરંજના પ્યાદા બનાવવાની કોશિશમાં હોવાનું રાજકીય વર્તુળોમાં ખાસું ચર્ચામાં હતું. શંકર ચૌધરી હાલ ગુજરાત વિધાનસભાની બહાર છે. પરંતુ અલ્પેશ ઠાકોરના ભાજપના જોડાયા બાદ તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કેબિનેટમાં સામેલ થઈને ફરીથી રાધનપુર બેઠક પરથી પેટાચૂંટણી લડશે કે લોકસભા ચૂંટણી સુધી રાહ જોઈને શંકર ચૌધરીને કોઈ તક આપશે? આ આખી રાજકીય શતરંજમાં શેહ અને મ્હાતના ખેલમાં અલ્પેશ ઠાકોર કિંગ સાબિત થાય છે કે પ્યાદું તેના પર સૌની નજર મંડાયેલી છે, કારણ કે શંકર ચૌધરી પણ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પ્રવેશવાની ઈચ્છા ધરાવે છે. એટલું જ નહીં ધારાસભ્ય બન્યા બાદ તેઓ રૂપાણી સરકારના કેબિનેટમાં વજનદાર વિભાગની જવાબદારી પણ ઈચ્છી રહ્યા છે.
અલ્પેશ ઠાકોર ફેક્ટરને પ્રવેશ પહેલા જ કરાયું બેલેન્સ-
આ સિવાય અલ્પેશ ઠાકોરના એક સમયના સાથીદાર જુગલજી ઠાકોરને રાજ્યસભામાં સ્મૃતિ ઈરાનીની ખાલી બેઠક પરથી મોકલવામાં આવ્યા છે. તેને રાજકીય વર્તુળોમાં અલ્પેશ ઠાકોરના ભાજપમાં પ્રવેશ પહેલા તેના ફેક્ટરને સંતુલિત કરવાનો ભાજપ અધ્યક્ષ અમિત શાહનો માસ્ટરસ્ટ્રોક પણ માનવામાં આવે છે. રાજ્યસભાની ચૂંટણી વખતે ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહ ભાજપના અધ્યક્ષ અમિત શાહની ગુજરાતના કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ વખતે રાજ્યની મુલાકાત ઘણી સૂચક માનવામાં આવે છે.
જીતુ વાઘાણી- પ્રદીપસિંહ જાડેજાના પોતપોતાના રાજકીય ગણિત-
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ટર્મ પૂર્ણ થવાની તૈયારીમાં છે. માનવામાં આવે છે કે તેમને રૂપાણી સરકારના કેબિનેટમાં સ્થાન મળશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે અને પોતે પણ ઘણા પ્રયત્નશીલ છે. આવા સંજોગોમાં જીતુ વાઘાણી પાસે અલ્પેશ ઠાકોર જેવા મોટા ગણાતા માથાનો ભાજપમાં પ્રવેશ તેમના પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્મની એક રાજકીય સિદ્ધિ ગણાવવાની કોશિશ તેમને રૂપાણી કેબિનેટમાં કદાચ ગૃહ મંત્રાલય કે અન્ય કોઈ મહત્વના વિભાગની જવાબદારીનું કારણ બને તેવી પુરી શક્યતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે આવી ચર્ચાઓ વચ્ચે હાલના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની તેમના વિભાગની કામગીરીને બિરદાવામાં આવી હોવાની વાત પણ ઘણી સૂચક છે. જો કે પ્રદીપસિંહ જાડેજાનું તાજેતરમાં એક ઓપરેશન કરાયું હતું અને તેમની જવાબદારીમાં ફેરબદલ થાય છે કે કેમ તેના પર ખાસી ચર્ચા રાજકીય વર્તુળોમાં છે.
જો અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશની વાત કરીએ તો તેમા જીતુ વાઘાણી અન પ્રદીપસિંહ જાડેજાની ભૂમિકા પણ ઓછી નથી. જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજા અલ્પેશ ઠાકોરના “ભવ્ય” મકાનના વાસ્તુ પ્રસંગે હાજરી આપી ચુક્યા છે. આવા સંજોગોમાં ગુજરાત પ્રદેશ ભાજપના બંને દિગ્ગજ નેતાઓ પણ અલ્પેશ ઠાકોરને પોતાની રાજકીય શતરંજનું પ્યાદું માનીને તો ચાલતા નથી ને?
અલ્પેશ ઠાકોરને રૂપાણી કેબિનેટમાં સ્થાન મળવું અઘરું-
હવે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે કુંવરજીભાઈ બાવળિયા અને જવાહર ચાવડાની જેમ સીધા ગુજરાત સરકારમાં અલ્પેશ ઠાકોરની કેબિનેટ પ્રધાન બનવાની શક્યતા ઘણી નબળી હોવાનું માનવામાં આવે છે. અલ્પેશ ઠાકોર સાથે હાલ તો ધવલસિંહ ઝાલા જ ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યોનો પક્ષપલ્ટો અલ્પેશ ઠાકોરને તેનો રાજકીય પ્રભાવ સાબિત કરવા માટે વધુ વજનદાર ગણાત અને આવા સંજોગોમાં તેને રૂપાણી કેબિનેટમાં સ્થાન મળવાનું વ્યાજબી પણ લેખાત.
જો કે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે રાજ્યસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુલાકાત બાદ ચર્ચા હતી કે બંને બિનશરતી રીતે ભાજપમાં જોડાશે. રાજ્યસભાની ચૂંટણીમાં બંનેએ કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ ક્રોસ વોટિંગ કર્યું તેનાથી એટલું તો નિશ્ચિત હતું કે તેઓ ભાજપની અંદર કોઈપણ સમયે જોડાશે.
‘ચાણક્ય’ની શતરંજની બાજીમાં “ગાંડી કુકરી” એક પડકાર હશે?
અલ્પેશ ઠાકોરનું રાજકારણ ઓબીસી અને ઠાકોર જ્ઞાતિ આધારીત રાજકારણ છે. આ રાજકારણ એક રીતે ભાજપની રાષ્ટ્રવાદી અને હિંદુત્વવાદી રાજનીતિને પડકાર હતો. ભાજપના રાષ્ટ્રવાદી અને હિંદુત્વવાદી રાજકારણમાં જ્ઞાતિ અને ભાષા ફેક્ટરને એટલું પ્રાધાન્ય ગુજરાતમાં આપવામાં આવ્યું નથી. અલ્પેશ ઠાકોર દ્વારા પોતાની રાજનીતિની શરૂઆતમાં પીએમ મોદી અને ભાજપ સામેના આકરા નિવેદનો પણ પાર્ટીના લોકોને યાદ છે. ગુજરાતની દારૂબંધી સામે પ્રશ્નો ઉભા કરીને ઠાકોર સમુદાયને આવી બદીમાંથી બહાર કાઢવાના નામે શરૂ કરેલું અલ્પેશ ઠાકોરનું રાજકારણ તેમને કોંગ્રેસમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરના ધારાસભ્ય બનાવવાનું કારણ બન્યા.
અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીના નિકટવર્તી પણ બની શક્યા હતા અને તેમને રાહુલ ગાંધીએ પોતાની ટીમમાં સ્થાન આપીને બિહારના સહપ્રભારી પણ બનાવ્યા હતા. પરંતુ સાબરકાંઠામાં સગીરા સાથેના બળાત્કારના મામલે ઉત્તર ભારતીયો સામેના અલ્પેશ ઠાકોરના વલણને કારણે તેમને કોંગ્રેસમાં બિહારના સહપ્રભારી તરીકે બોલાવવા માટે કોઈ તૈયાર ન હતું.
તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની જૂથબંધી વખતે ભરતસિંહના સ્થાને નવા પ્રદેશ પ્રમુખની પસંદગી વેળાએ મહત્વકાંક્ષી અલ્પેશ ઠાકોરની આ પદ પર પણ નજર હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ તેમની મહત્વકાંક્ષા પુરી થઈ નહીં અને અમિત ચાવડા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા હતા. જ્યારે લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનવાની એક કથિત મનસા પણ અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ પાર્ટીમાં પુરી કરવામાં આવી ન હતી. આવી મહત્વકાંક્ષાઓને કારણે કોંગ્રેસની રાજકીય ચોપાટમાં અલ્પેશ ઠાકોરની ગણના એક “ગાંડી કુકરી” તરીકે થવા લાગી હતી અને તેઓ કોંગ્રેસ માટે એક મોટો બોજો પણ બનવા લાગ્યા હતા. તેના કારણે તેમની રાજકીય હેસિયત કોંગ્રેસમાં ઘટવા લાગી હતી.
ટૂંકમાં આવી મહત્વકાંક્ષાઓ ભાજપમાં આવવાથી અલ્પેશ ઠાકોર છોડી દેશે તેવું માનવાને પણ કોઈ કારણ નથી. આવા સંજોગોમાં નીતિન પટેલ હોય કે શંકર ચૌધરી, જીતુ વાઘાણી હોય કે પ્રદીપસિંહ જાડેજા કે અન્ય કોઈ, જો તેઓ કિંગ બનવાની ઈચ્છા ધરાવતા અલ્પેશ ઠાકોરને પ્યાદું સમજશે તો તે તેમની ઘણી મોટી ભૂલ હશે. બની શકે કે અલ્પેશ ઠાકોર તેમને પ્યાદા સમજનારાઓને પ્યાદા ગણતા હોય. આવી મહત્વકાંક્ષાઓ કોંગ્રેસની જેમ ભાજપમાં પણ અલ્પેશ ઠાકોરને રાજકીય ચોપાટની ગાંડી કુકરી સાબિત કરી શકે છે. હવે અલ્પેશ ઠાકોર અને તેમના સાથીદારોના રાજકીય ભવિષ્ય પણ તેમના કિંગ કે પ્યાદા અથવા ગાંડી કુકરી સાબિત થવાના ભવિષ્ય પર દારોમદાર ધરાવે છે. જો કે ગુજરાતના રાજકારણમાં ઘટનારી આવી ઘટનાઓ ઘણી રસપ્રદ બની રહેવાની છે, કારણ કે આખરે તો ગુજરાત ભાજપમાં થનારા ફેરફારોમાં રાજનીતિના ચાણક્ય ગણાતા ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઘણી મોટી ભૂમિકા છે.
ભાજપ માટે વિચારણીય મુદ્દાઓ-
હાલ ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની સ્થાપિત, મજબૂત અને સ્થિર આગેવાની સામે કોઈ જૂથબંધીને અવકાશ નથી. પરંતુ અલ્પેશ ઠાકોર અને તેમના પહેલા ભાજપમાં જોડાનારા કોંગ્રેસીઓને જોતા મજબૂત ભાજપ માટે વિચારવાના બે મુદ્દા છે. યુપીએ-વન અને યુપીએ-ટુમાં લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર વખતે 2014માં પ્રચારનો મુદ્દો હતો કે સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસના અડધોઅડધ નેતાઓ જેલમાં હશે. પરંતુ કોંગ્રેસના અડધોઅડધ નેતાઓ જેલમાં તો ગયા નથી, પરંતુ કોંગ્રેસીઓના મોટાપ્રમાણમાં ભાજપ પ્રવેશથી હિંદુત્વવાદી અને રાષ્ટ્રવાદી પાર્ટી વિથ ડિફરન્સ ભૂંસાઈ રહી છે અને તેનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. આ સાથે કોંગ્રેસમાંથી આવનારા નેતાઓને મોટા પદો અને કેબિનેટમાં સ્થાન આપવાને કારણે ભાજપ અને તેની સાથે જોડાયેલા સંગઠનોમાં છાને ખૂણે ચણભણાટ છે. પરંતુ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિર્ણયો સામે અસંતોષ, નારાજગી, નાખુશી જેવી કોઈ અભિવ્યક્તિ ભાજપના સામાન્ય કાર્યકર્તાઓ કરી શકે તેમ નથી. પરંતુ શું દુનિયાની સૌથી મોટી પાર્ટીમાં આવી સ્થિતિ તેની આંતરીક લોકશાહી માટે સારી ગણાશે?
આ સિવાય ગુજરાત કોંગ્રેસની જૂથબંધીનો રોગ શું ગુજરાત ભાજપનું ભવિષ્ય બની જશે? તે વિચારવાનો સમય પણ ભાજપની મજબૂત, સ્થિર અને સ્થાપિત નેતાગીરીએ કરવો પડશે. કારણ કે ગુજરાત ભાજપમાં પણ ક્ષત્રપો પોતપોતાનું ટોળું મોટું કરવાની કોશિશોમાં છે. આવા સંજોગોમાં અલ્પેશ ઠાકોરનો ભાજપમાં પ્રવેશ કોઈક ક્ષત્રપનું ટોળું તો મોટું કરી રહ્યો નથી ને? અથવા તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પોતાનો અલગ ચોકો તો ઉભો કરી રહ્યા નથી ને? ગુજરાત ભાજપના આંતરીક વર્તુળોમાં આનંદીબહેન પટેલ અને અમિત શાહના સમર્થકોની ચર્ચાઓ 2014થી લઈને 2017 સુધી ખૂબ ચાલી હતી. તો શું ગુજરાત ભાજપમાં ગુજરાત કોંગ્રેસની જેવી જૂથબંધી- ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ – જેવા નેતાઓના ટોળાઓ વચ્ચે “મારું ટોળું મોટું” સાબિત કરવા જેવી હોડ જોવા મળશે?
હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના રાજકીય ઉદભવને લઈને નીતિન પટેલ ફેક્ટરની ચર્ચા સીધી કે આડકતરી રીતે જોવા મળી હતી. આવી ચર્ચા જૂથબંધીની શરૂઆત પહેલાની હોય તો ગુજરાતના રાજકારણમાં નવાઈ નહીં હોય, પરંતુ ગુજરાત ભાજપ માટે નવાઈ જરૂર હશે, કારણ કે ભાજપમાં અટલ-અડવાણી યુગ કે મોદી-શાહ યુગમાં પણ રાષ્ટ્રીય સ્તરે ક્યારેય જૂથબંધીની ચર્ચાઓ થઈ નથી. ભાજપની રાજકીય યાત્રાને પાંચ વખત કેન્દ્રમાં સરકાર બનાવવા સુધીના મુકામ પર પહોંચાડવામાં ગુજરાતથી થયેલી શરૂઆત મહત્વની છે. તો ગુજરાત ભાજપમાં આવી કોઈપણ જૂથબંધીની શરૂઆત રાષ્ટ્રીય સ્તરે પણ કોંગ્રેસીઓની આયાત કરનારા ભાજપ માટે કોંગ્રેસની જૂથબંધીના કલ્ચરની શરૂઆત તો નહીં બને ને?