અમદાવાદઃ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારને વોટ આપ્યા છે. જોકે વોટિંગ બાદ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા બંને બળવાખોર ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. બંને ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને રાજીનામાની સોંપણી કરી છે.
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પંજાને છોડયા બાદ હવે કમલમ ખાતે જઈને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. રાજ્યસભામાં બંને ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરાયાની ચર્ચા થઈ રહી છે. મતદાન બાદ બંનેએ વારાફરતી વિધાનસભાના સ્પીકરને મળીને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા છે.
તો કોંગ્રેસે પણ આ બંને ધારાસભ્યોના ક્રોસ વોટિંગ કરવા બદલ તેને ગેરલાયક ઠેરવવાની કવાયત શરૂ કરી છે. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના લિગલ એડવાઈઝર બાબુભાઈ માંગુકીયા અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યો વિધાનસભાના સ્પીકરને મળવા પહોંચ્યા હતા.
2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો પર જીત મળી હતી. પહેલા કુંવરજી બાવળિયા અને ડૉ. આશા પટેલ કોંગ્રેસને આવજો કહીને ભાજપમાં જોડાયા હતા. બાદમાં જવાહર ચાવડા, વલ્લભ ધારવિયા, પરસોત્તમ સાબરિયાએ રાજીનામા આપતા કોંગ્રેસના ધારાસભ્યો 72 થયા હતા. જ્યારે તાલાલાના ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાનો કેસ કોર્ટમાં છે. જ્યારે આજે ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરે ધારાસભ્યપદેથી રાજીનામા આપતા વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 77થી ઘટીને 69 થયું છે.