પશ્ચિમ બંગાળ: રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ બોલાવી સર્વપક્ષીય બેઠક, રાજ્યની સ્થિતિ પર થશે ચર્ચા
કોલકત્તા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં રાજ્યમાં થઈ રહેલી હિંસાની ઘટનાઓ અને કાયદો-વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો તબક્કો થંભવાનું નામ લઈ રહ્યો નથી. પશ્ચિમ બંગાળમાં અવારનવાર હિંસાના અહેવાલો આવતા રહે છે. ભાજપ અને ટીએમસી વચ્ચેની રાજકીય ખેંચતાણમાં લોહી પણ રેડાતું રહે છે. બંને પાર્ટીઓ એકબીજા પર ગુંડાગર્દીનો આરોપ લગાવે છે.
ભાજપ વારંવાર આરોપ લગાવતું રહે છે કે ટીએમસીના કાર્યકર્તાઓ ગુંડાગર્દી કરતા રહે છે અને તેમના કાર્યકર્તાઓની હત્યા કરી રહ્યા છે. બુધવારે આના વિરોધમાં ભાજપે લાલ બજાર માર્ચ કાઢી રહ્યું છે. ભાજપના કાર્યકર્તાઓની હત્યા વિરુદ્ધ પાર્ટીએ કોલકત્તાના લાલ બજારમાં આવેલા પોલીસ મુખ્યમથકનો ઘેરાવો કર્યો હતો. જ્યાં કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે તેમના ઉપર ટીયરગેસના સેલ છોડયા છે.
પ્રદર્શન કરનારાઓમાં મોટા પ્રમાણમાં મહિલા કાર્યકર્તાઓ પણ સામેલ છે. મુખ્યમથકની બહાર ભાજપના ઝંડા લહેરાવતી પાંચ મહિલા કાર્યકર્તાઓને પોલીસે કસ્ટડીમાં લીધી છે. ભાજપના માર્ચને જોતા સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં આજે પણ ભાજપના એક કાર્યકર્તાની હત્યાના અહેવાલ આવ્યા છે. માલદામાં ભાજપના કાર્યકર્તા અસિત સિંહની લાશ મળી છે. અસિત સિંહ ગત બે દિવસથી લાપતા હતો અને આજે તેની લાશ તેના ઘરેથી થોડા અંતરે મળી આવી હતી. મંગળવારે પણ નોર્થ 24 પરગણામાં ભાજપના એક કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી. પ.બંગાળમાં જ્યારથી ભાજપનો જનાધાર વધી રહ્યો છે, દરરોજ ત્યાંથી હિંસા અને ખૂનખરાબાના અહેવાલ સામે આવી રહ્યા છે.
ભાજપના પ્લાન વેલિંગ્ટન સ્ક્વેરથી લાલ બજાર સુધી માર્ચ કાઢવાનો હતો. માટે પોલીસે આખા વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તેનાત કરી દીધા છે. જેથી ભાજપના નેતાઓને પોલીસ હેડક્વોર્ટર પહોંચતા પહેલા જ રોકી શકાય.
મુખ્યપ્રધાન મમતા બેનર્જી દાવો કરી રહ્યા છે કે ભાજપ બંગાળને ગુજરાતમાં બદલવાની યોજના કરી રહ્યું છે અને તેઓ આવું બિલકુલ થવા દેશે નહીં. બેનર્જીએ મંગળવારે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંઠણી બાદથી 10 લોકોના મોત થયા છે અને તેમાથી આઠ ટીએમસીના છે અને બાકીના ભાજપના ટેકેદાર છે. તેમણે જો કે દશ લોકોના માર્ય જવા બાબતે કોઈ જાણકારી આપી નથી.