“અલ્પેશ ઠાકોર 20 કરોડમાં વેચાયો”ના કોંગ્રેસીઓના સૂત્રોચ્ચાર, અલ્પેશે રાજીનામા બાદ માનસિક ત્રાસમાંથી મુક્તિની કરી વાત
અમદાવાદઃ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે રાજ્યસબા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે સતત સંપર્ક વધારીને મતગણતરી પહેલા જ વિધાનસભાના સ્પીકરને ધારાસભ્ય પદેથી રાજીનામું પી દીધું છે.
અલ્પેશ ઠાકોરના ક્રોસ વોટિંગથી અકળાઈ ઉઠેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સૂત્રોચ્ચારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે અલ્પેશ ઠાકરો 20 કરોડમાં વેચાયો છે. જો કે સૂત્રોચ્ચારથી અલ્પેશ ઠાકોર અને તેમના સાથીદાર તથા ભાજપના ધારાસભ્યોમાં પણ સોંપો પડી ગયો હતો.
અલ્પેશ ઠાકોરે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા ઘણા વર્ષોથી મારી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હતું. કોંગ્રેસ મને ખોટી રીતે બદનામ કરતી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું કે, આજની રાજ્યસભાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં મેં મારા અંતરઆત્માના અવાજથી દેશના નેતૃત્વને મારો મત આપ્યો છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હું માનસિક ત્રાસથી મુક્ત થયો છું અને આવનાર દિવસોમાં મારા સમાજ તેમજ ગરીબ વંચિતોના લાભ માટે યોગ્ય નિર્ણય કરીશ અને પ્રજા માટે કામ કરીશ.
જ્યારે અલ્પેશ ઠાકોરની સાથે તેમના સાથીદાર ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘પ્રજાનું કામ કરવાની અને પ્રજા સાથે કામ કરવાની ઈચ્છા હતી. પરંતુ આવું ન થતાં કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.’