અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: સીએમ કમલનાથના ભાણિયાના મામલામાં સાક્ષીની થઈ ગઈ હત્યા! ઈડીને આશંકા
ઈડીએ મંગળવારે દિલ્હીની એક કોર્ટમાં એ વાતની આશંકા વ્યક્ત કરી છે કે અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં એક સાક્ષીની હત્યા થઈ ગઈ છે. આ સાક્ષી ગત ચાર માસથી ગાયબ હતો. ઈડીએ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા રિતુલ પુરીની અગોતરા જામીન અરજીનો વિરોધ કરતા આ આશંકા વ્યક્ત કરી હતી.
પુરી પર આરોપ છે કે તેણે અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં પોતાની કંપનીઓ દ્વારા લાંચ લીધી હતી. એજન્સી આ આરોપોની તપાસ કરી રહી છે. તેને ધરપકડથી મળેલી વચગાળાની રાહત હાલ બુધવાર સુધીની જ છે, કારણ કે તેમની આગોતરા જામીન અરજી પર હાલ સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. ઈડીએ પુરી પર એ પણ આરોપ લગાવ્યો છે કે તેના તાર અગસ્તા વેસ્ટલેન્ડ કેસના વચેટિયા ખ્રિશ્ચિયન મિશેલ સાથે પણ જોડાયેલા છે.
ઈડી તરફથી રજૂ થયેલા સ્પેશયલ પબ્લિક પ્રોસિક્યૂટર ડી. પી. સિંહે કોર્ટને ક્હ્યુ કે પુરી એક પ્રભાવશાળી વ્યક્તિ છે, જે ફરાર થઈ શકે છે. ડી. પી. સિંહે એ પણ આશંકા વ્યક્ત કરી હતી કે તે પુરાવા અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તેમણે કહ્યુ છે કે અમને લાગે છે કે એક સાક્ષીને જરૂર મારી નાખવામાં આવ્યો છે. અમે તેનો સંપર્ક કરી શકતા નથી. તેનો આખો પરિવાર આઘાતમાં છે. તે એટલા ડરેલા છે કે તેમણે એફઆઈઆર પણ નોંધાવી નથી.
ઈડીએ સાક્ષીઓની ઓળખ કે. કે. ખોસલા હોવાનું જણાવ્યું અને સ્પેશયલ જજ અરવિંદ કુમારને કહ્યુ કે તેમની વય 73 વર્ષની છે. ઈડી પ્રમાણે, તે પોતાના નિવેદનથી ફરી ગયા અને ગત ચાર માસથી ગાયબ છે. ઈડીના સૂત્રોનું કહેવું છે કે ખોસલા પુરી માટે કામ કરતા હતા અને ઘણાં પ્રકારની ગતિવિધિઓમાં સામેલ હતા. તેમણે એજન્સીની સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તેમા તેમણે કેટલીક નાણાંકીય લેવડ-દેવડની જાણકારી આપી હતી.
વકીલે એમ પણ જણાવ્યુ કે ઈડીએ ખ્રિશ્ચિયન મિશેલ અને પુરીની કંપની વચ્ચે 10 લાખ ડોલરના લેવડદેવડની જાણકારી મેળવી છે. પુરી માટે કોર્ટમાં હાજર વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ છે કે ઈડીના અધિકારી પુરીને 25 વખત મળ્યા અને ગત ચાર માસમાં ઓછામાં ઓછા 200 કલાક પૂછપરછ કરી છે. તેમ છતાં તેઓ હજી પણ તેમના ઘરે પહોંચી જાય છે અને તેમને ભાગેડું કહી રહ્યા છે. સિંઘવીએ કહ્યુ છે કે ઈડીની તપાસ રાજકીય બદલાની ભાવનાથી પ્રેરીત છે.