નવી દિલ્હી: દાળોની કિંમતોમાં ફરી એકવાર ઉછાળો આવવા લાગ્યો છે. હાલ ચૂંટણી પરિણામા આવ્યા પહેલા જ રીટેલ બજારમાં તેની કિંમતો ફરીથી 2009ના સ્તર પર પહોંચી ગઈ છે. જાણકારોનું કહેવું છે કે જો કિંમતો આવી રીતે જ વધતી જશે, તો ફરીથી આમ આદમીની થાળીમાંથી દાળ ગાયબ થવા લાગશે.
દેશભરમાં સૌથી વધારે માંગ તુવેરની દાળની હોય છે. હાલ તુવેર દાળની કિંમત સૌથી વધારે ઉંચે ચઢતી જોવા મળી છે. રિટેલ બજારમાં તુવેર દાળ 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમતે વેચાઈ રહી છે.
ગત નાણાંકીય વર્ષમાં તુવેર દાળનું ઉત્પાદન ઘણું ઓછું થયું હતું. તેમાં 30થી 35 ટકાનો ઘટાડો દર્શાવાય રહ્યો છે. તો અડદની દાળના ઉત્પાદનમાં ગત વર્ષની સરખામણીમાં 15થી 20 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તુવેર અને અડદમાં તેજીના કારણે ચણાની દાળમાં પણ ભાવ વધવાનું શરૂ થઈ ગયુ છે.
જથ્થાબંધ બજારમાં તુવેરની દાળની કિંમત 5700થી 5800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. તો ચણાની દાળની જથ્થાબંધ માર્કેટમાં કિંમત 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. ગત બે માસ દરમિયાન દાળના જથ્થાબંધ બજારના ભાવમાં 800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી તેજી આવી છે.
મહારાષ્ટ્રના લાતૂરમાં હાલ તુવેરની દાળનો હોલસેલ ભાવ 58 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચાલી રહ્યો છે. તો દાળ મિલ પર હોલસેલ ભાવ 85 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચાલી રહ્યો છે. ગત વખથે 2009માં આ દાળની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર ચાલી ગયો હતો. તો 2015ની શરૂઆતમાં કેટલાક મહીનાઓ સુધી તેનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો હતો. દાળના હોલસેલ ભાવમાં વધારાથી ખેડૂતોને રાહત મળી રહી છે, કારણ કે અઢી વર્ષ બાદ પહેલીવાર તુવેરના ભાવ ટેકાના ભાવના સ્તરને પાર કરી ગયા છે. તુવેરની દાળનો ટેકાનો ભાવ 5650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.
ભારત સિવાય કેટલાક આફ્રિકન દેશો અને મ્યાંમારમાં તુવેર દાળનું ઉત્પાદન થાય છે. આફ્રિકન દેશોમાં પણ આના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. 2015 બાદ તુવેરના ભાવમાં નરમાશનું વલણ ચાલુ રહેવાના કારે ગત વર્ષે ખેડૂતોએ પણ તુવેરનું વેવેતર ઓછું કર્યું હતું. આ કારણ છે કે ગત એક માસમાં તુવેર દાળની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે.
મ્યાંમારમાં તુવેર દાળ જૂનના આખર સુધી તૈયાર થશે. પરંતુ આના પહેલા જ ત્યાંના વેપારીઓએ કિંમતોમાં વધારો કરી દીધો છે. કેન્દ્ર સરકારે 1.75 લાખ ટન દાળને મોઝામ્બિકથી આયાત કરવાની મંજૂરી આપી છે. તેના સિવાય દાળ મિલોને બે લાખ ટન વધારાની દાળની આયાત કરવા માટે પરવાના જાહેર કરશે.