કોરોના મહામારીઃ અમદાવાદમાં રક્ષાબંધન પર્વ પર જેલમાં બંધ કેદીઓના હાથ ખાલી નહીં રહે
અમદાવાદ– શહેરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ સાબરમતી જેલમાં બંધ કેટલાક કેદીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાં હતા. જેથી આ વર્ષે રક્ષાબંધન પર્વ પર સાબરમતી જેલમાં બંધ કેદીઓને બહેન રાખડી નહીં બાંધી શકે. જો કે, કેદીઓના હાથ રાખડી વગરના ન રહે તે માટે જેલ સત્તાવાળાઓ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ કોરોનાવાયરસે એન્ટ્રી કરી હતી. તેમજ કેટલાક કેદીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાં હતા. આ ઉપરાંત શહેરમાં પણ કોરોના વાયરસના મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ત્યારે શ્રાવણ મહિનામાં વિવિધ તહેવારો ઘરમાં જ ઉજવવા તંત્ર દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. બીજી તરફ સાબરમતી મધ્યસ્થ જેલમાં દર વર્ષે ઉજવાતા રક્ષાબંધન પર્વની આ વર્ષે ઉજવણી નહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે સાબરમતી જેલમાં બંધ કેદીઓને તેમની બહેન રાખડી નહીં બાંધી શકે. જો કે, બહેનની રાખડીઓ કેદી ભાઈ સુધી પહોંચાડવા માટે જેલ સત્તાવાળાઓ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
જેલના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, એક પણ કેદીનો હાથ તેની બહેનની રાખડી વગરનો ન રહે તે માટે અલગથી વ્યવસ્થા ઊભી કરી છે. જેલમાં રહેલા કેદીઓના પરિવારજનોને રાખડીઓ પોસ્ટ, કુરિયર અથવા જેલ ખાતે જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. જેલને મળેલી રાખડી જે તે કેદી સુધી પહોંચાડવામાં આવશે. આમ રક્ષાબંધન પર્વ પર કોઈ પણ કેદીનો હાથ રાખડી વગરનો નહીં રહે.