ચીની સેનાની હિલચાલ ઉપર નજર રાખવા ભારતીય સેનાનો નવતર પ્રયોગ
દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે સરહદ બંને દેશ દ્વારા મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. તેમ છતા વિસ્તારવાદી ચીન નાપાક હરકત કરવાનું ચુકતું નથી. હવે ચીન ઉપર નજર રાખવા માટે સરહદ ઉપર ફરજ બજાવતા અધિકારીઓને તિબેટિયન ભાષા-સંસ્કૃતિ વિશે ભણવા ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીનના પેંતરા નિષ્ફળ બનાવવા તિબેટિયન સંસ્કૃતિનું જ્ઞાન ઉપયોગી બની શકે છે. જેથી ભારતીય સૈન્ય હવે પોતાના અધિકારીઓને વાસ્તવિક નિયંત્રણ રેખાની બંને તરફ તિબેટનો ઇતિહાસ, સંસ્કૃતિ અને ભાષાનો અભ્યાસ કરવા પર ભાર મૂકી રહ્યું છે. ચીન પર નજર રાખવા માટે તિબેટી ભાષા અને સંસ્કૃતિનું જ્ઞાન હોવું જરુરી હોવાનું અધિકારીઓ માની રહ્યાં છે. આ પ્રસ્તાવ પહેલીવાર ઓક્ટોબરમાં સૈન્યના કમાન્ડરોના સંમેલનમાં રજૂ કરાયો હતો. ભારતીય સૈન્ચ ચીફ એમએમ નરવણેએ શિમલા સ્થિત સૈન્ય ટ્રેનિંગ કમાન તરફથી અપાયેલા પ્રસ્તાવનો આગળ વધારવાની વાત કહી હતી. આ સંસ્થાઓમાં દિલ્હી યુનિવર્સિટીના બૌદ્ધ અધ્યયન વિભાગ, વારાણસીની કેન્દ્રીય તિબેટી સ્ટડી ઈન્સ્ટિટ્યૂટ, બિહારની નાલંદા મહાવિહાર, બંગાળની વિશ્વ ભારતી, બેંગ્લોરની દલાઈ લામા ઈન્સ્ટિટ્યૂટ ફોર હાયર એજ્યુકેશન ઉપરાંત સિક્કિમ અને અરુણાચલની ઈન્સ્ટીટ્યૂટ સામેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના ઉપર ચીને કરેલા હુમલા બાદ બંને દેશના સંબંધોમાં કડવાશ આવી છે. તેમજ સીમા વિવાદને ઉમેદલાવ માટે બંને દેશની સેનાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જો કે, હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. દરમિયાન તાજેતરમાં જ ચીની સેનાના જવાનોએ ભારતીય સીમામાં પ્રવેશનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી.