
ચીનને ભારતનો જવાબ, અરૂણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદી પર બનાવશે મોટો ડેમ
દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ચીન ભારતને પરેશાન કરવા માટે નવા-નવા પેતરા અજમાવી રહ્યું છે. ચીન દ્વારા તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર મોટો ડેમ બનાવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે ભારતે પણ તેને તેની જ ભાષામાં જવાબ આપવા માટે અરૂણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદી ઉપર મોટો ડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જળ શક્તિ મંત્રાલયના સિનિયર અધિકારી ટી.એસ.મેહરાના જણાવ્યા અનુસાર ચીન દ્વારા બનાવવામાં આવનારા ડેમની નકારાત્મ અસરને દૂર કરવા માટે બ્રહ્મપુત્રા નદી ઉપર એક મોટા ડેમની જરૂરત છે. આ સંબંધમાં સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. ડેમ બન્યાં બાદ ભારત પાસે વધારે પાણી સંગ્રહ કરવાની ક્ષમતા હશે. તેમજ ચીનની કોઈ પણ હરકતનો ભારત વળતો જવાબ આપી શકશે. અરૂણાચલ પ્રદેશમાં મોટા ડેમના નિર્માણની સાથે 10 ગીગાવોટનો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરહદ વિવાદને પગલે ભારત અને ચીનના સંબંધમાં તણાવ વધ્યો છે. તેમજ બંને દેશ દ્વારા સરહદ ઉપર મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. ત્યારે હવે ચીન દ્વારા બ્રહ્મપુત્રા નદીના પાણીને લઈને રાજકારણ શરૂ કરવામાં આવ્યું છે.