ભારતીય રેલવેને લાગ્યું કોરોનાનું ગ્રહણ, નૂરભાડા અને રેલવેના ભાડામાં વધારો કરાશે ?
દિલ્હીઃ કોરોનાકાળના કારણે ભારતીય રેલવને ભારે નુકસાની થઈ છે. લોકડાઉનને કારણે રેલ વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. તેમજ અનલોકમાં રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે પરંતુ હજુ પણ પુરતી ટ્રેન દોડવવામાં આવતી નથી. દરમિયાન ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનમાં ટિકિટ બુકિંગનો આંકડા ગયા વર્ષની તુલનામાં દૈનિક ધોરણે અઢી લાખ ઓછા છે. નાણાકીય વર્ષ 2020-21માં માર્ચ સુધી યાત્રી ટ્રેનો ના ચલાવવાને કારણે રેલવેને આશરે રૂ. 38,000 કરોડના નુકસાનનો અંદાજ છે. આ નુકસાનની ભરપાઈ માટે નૂરભાડા અને રેલવે ભાડામાં કેટલો વધારો કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગયા વર્ષે રેલવેની આવક જ્યાં રૂ. 53,000 કરોડ હતી, જ્યારે આ આંકડો આ વખતે રૂ. 4600 કરોડ બતાવવામાં આવી રહી છે. માર્ચ, 2021 સુધી એ આવક રૂ. 15,000 કરોડે પહોંચવાની આશા છે. આવામાં રેલવેને ચાલુ નાણાકીય વર્ષમાં આશરે રૂ. 38,000 કરોડના નુકસાન થવાનો અંદાજ છે. જોકે રેલવેએ સ્પેશિયલ ટ્રેનોમાં 30 ટકા ભાડાવધારો કર્યો જ છે, પણ એનાથી નુકસાન સરભર નથી થઈ શક્યું. જેથી રેલવે સામાન્ય પરિસ્થિતિ થવા પર ભાડાવધારો કરવા પર વિચાર કરી રહી છે. આ નુકસાનથી અંબાલા રેલ મંડલ પણ બાકાત નથી. અંબાલા રેલ મંડલમાં જ્યાં ગયા નાણાકીય વર્ષમાં આવક રૂ. 459 કરોડ હતી, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં ઘટીને રૂ. 23 કરોડ થઈ ગઈ છે.