અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર અધિકારી થયા કોરોના સંક્રમિત
અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદના મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. અમદાવાદમાં ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર, ડેપ્યુટી ફાયર અધિકારી અને એક મહિલા નગરસેવિકા પણ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 50 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. જેની સામે 44 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય ફાયર અધિકારી એમ.એફ. દસ્તુર કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત ડેપ્યુટી ફાયર અધિકારી તેમના પત્ની અને પુત્રી પણ કોરોના સંક્રમિત થયા છે. એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીના વધુ એક કાઉન્સિલર કોરોના સંક્રમિત થયા છે. મણિનગર વૉર્ડના ભાજપના કાઉન્સિલર શિતલબેન ડાગા કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. તેમને સારવાર માટે એસવીપી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો વધી 50 હજારને પાર પહોંચ્યો છે. દરમિયાન 24 કલાકમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 332 નવા કેસ નોંધાયા હતા. જો કે, રાહતની વાત એ છે કે, 321 દર્દી સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. જ્યારે બીજી તરફ કોરોનાને કારણે 10 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદ શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં 44,146 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોનાને કારણે જિલ્લા અને શહેરમાં અત્યારસુધી કુલ 2,057 લોકોનાં મોત થયા છે.