હૈદરાબાદનું પણ બદલાઈ શકે છે નામ, અખિલ ભારતીય અખાડા પરિષદે કરી માંગણી
દિલ્હીઃ દક્ષિણ ભારતના હૈદરાબાદ શહેરનું નામ બદલવાની માંગણીએ જોર પકડ્યું છે. ત્યારે હવે અખિલ ભારતીય અખાડા પરિષદે પણ હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવાની માંગણી કરી છે. તેમજ નવુ નામ હૈદરાબાદ શહેરનું ભાગ્ય બદલી નાખશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હૈદરાબાદમાં હાલ કોર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે. દરમિયાન તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હૈદરાબાદનું નામ બદલી નાખવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, અલ્હાબાદ અને ફૈઝાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને અયોધ્યા કરવામાં આવ્યું છે. તેવી જ રીતે હૈદરાબાદનું નામ પણ બદલીને ભાગ્યનગર કરી નાખવું જોઈએ. હવે અખાડા પરિષદે પણ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીની માંગણીને સમર્થન આપ્યું છે.
અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ જણાવ્યું હતું કે, મોગલોએ દેશ પર સદીઓ સુધી શાસન કરીને અનેક શહેરોના નામ બદલી નાખ્યાં હતા. જો હૈદરાબાદનું નામ બદલી નાખવામાં આવે તો આ શહેરનું ભાગ્ય જ બદલાઈ જશે. હૈદરાબાદનું નામ બદલવાના નિર્ણય સામે ઓવેસી તથા અન્ય રાજકીય પાર્ટીના નેતાઓને કોઈ આપત્તિ હોવી જોઈએ નહીં.