કોરોનાકાળમાં સીએમ અમરિંદર સિંહની જાહેરાત: પંજાબમાં 1 ડિસેમ્બરથી લગાવાશે નાઇટ કર્ફ્યુ
- પંજાબમાં 1 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુ
- રાતે 10 થી સવારે 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ
- કોરોનાના વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય
અમૃતસર: દિલ્હી-એનસીઆરમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને જોતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કડક પગલા લીધા છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં 1 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. પંજાબના તમામ શહેરો અને નગરોમાં રાતે 10 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવાશે.
મુખ્યમંત્રીએ લોકોને કોઈ પણ સંજોગોમાં આ નિયમોનું ઉલ્લંઘન ન કરવા ચેતવણી આપી છે અને જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને બમણો દંડ ફટકારવામાં આવશે. નાઇટ કર્ફ્યુ ઉપરાંત તમામ હોટલ,રેસ્ટોરન્ટ અને લગ્ન સ્થળો 1 ડિસેમ્બરથી રાત્રે 9:30 કલાકે બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પ્રતિબંધોની સમીક્ષા 15 ડિસેમ્બરે કરવામાં આવશે.
સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોવિડના નિયમોનું પાલન ન કરવા માટે હાલમાં દંડ 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારે કોરોના દર્દીઓની ઓળખ માટે ઝડપી ટેસ્ટીંગમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અને 25000 કોરોના ટેસ્ટના દૈનિક લક્ષ્યને પૂર્ણપણે અમલ કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા હોસ્પિટલોને 24 કલાક ટેસ્ટીંગની સુવિધા આપવા જણાવાયું છે.
પંજાબમાં નવા કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે.રાજ્યમાં હાલમાં 6,834 કોરોનાના એક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં કુલ 1,47,665 કોરોનાના કેસ આવી ચુક્યા છે,પરંતુ તેમાં 1,36,178 લોકો સાજા થયા છે. જોકે, કોરોનાને કારણે પંજાબમાં અત્યાર સુધીમાં 4,653 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.
_Devanshi