- ટેસ્લા ઇન્કના કો-ફાઉન્ડર એલન મસ્કએ મારી બાજી
- ધનિકોની લીસ્ટમાં એલન મસ્ક બીજા ક્રમે
- મસ્કની કુલ સંપત્તિ 127.9 બિલિયન ડોલર થઈ
- મસ્કની સંપત્તિમાં 100.3 અબજ ડોલરનો થયો વધારો
મુંબઈ: દુનિયાના સૌથી ધનિક લોકોમાં હવે બિલ ગે્ટસ બીજા નંબર પરથી ત્રીજા નંબર પર આવી ગયા છે અને તેમની જગ્યા લીધી છે એલન મસ્કે. ટેસ્લા ઇન્કના કો-ફાઉન્ડર એલન મસ્કએ બિલ ગેટ્સને પાછળ છોડી દીધા છે. સોમવારે ટેસ્લાના શેર્સમાં વધારાને કારણે તેમની નેટવર્થમાં મોટો વધારો થયો છે. ટેસ્લાના શેરમાં આવેલા ઉછાળા બાદ 49 વર્ષીય મસ્કની કુલ સંપત્તિ 7.2 બિલિયન ડોલરથી વધીને 127.9 બિલિયન ડોલર થઈ છે. ત્યારબાદ ટેસ્લાની માર્કેટ વેલ્યુ હવે 500 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે.
આ વર્ષે સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમની સંપત્તિમાં 100.3 અબજ ડોલરનો વધારો થયો છે. એલન મસ્ક એકમાત્ર ઉદ્યોગપતિ છે જેમની સંપત્તિ આ વર્ષે ખૂબ ઝડપથી વધી છે. બ્લૂમબર્ગ ઇન્ડેક્સ મુજબ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં તે ધનિકોની લીસ્ટમાં 35 માં ક્રમે હતા, પરંતુ હવે તે બીજા ક્રમે છે.
બ્લૂમબર્ગ ઈન્ડેક્સ મુજબ, દુનિયાના પાંચ સૌથી અમીરોમાં પહેલું સ્થાન જેફ બેઝોસનું છે,જેમની સંપતિ 183 અરબ ડોલરની છે. અત્યાર સુધીમાં બીજા ક્રમે બિલ ગેટ્સ હતા,જેમની સંપત્તિ 128 અરબ ડોલર છે, પરંતુ હવે એલન મસ્ક બીજા નંબર પર છે અને બિલ ગેટ્સ ત્રીજા નંબરે છે. ચોથું સ્થાન બર્નાર્ડ અર્નોલ્ડનું છે,જેમની કુલ સંપત્તિ 105 અરબ ડોલર છે. પાંચમાં ક્રમે માર્ક ઝુકરબર્ગ છે,જેમની કુલ સંપત્તિ 102 અરબ ડોલર છે.
2017 પહેલાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સ હતા, પરંતુ તે પછી એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે તેને પાછળ છોડી દીધા. બિલ ગેટ્સ મોટા પ્રમાણમાં તેની સંપત્તિ દાન કરવા માટે પણ જાણીતા છે. તેમણે 2006 થી ગેટ્સ ફાઉન્ડેશનને 27 અરબ ડોલરનું દાન આપ્યું છે. આને કારણે તેમની કુલ સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે.
_Devanshi