- ભારતે વધુ એક સિદ્વિ હાંસલ કરી
- ભારતની સ્વદેશી દિશાશોધન પ્રણાલી IRNSSને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઇ
- આ પ્રકારની નેવિગેશન સિસ્ટમ ધરાવતો ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો
નવી દિલ્હી: ભારતે વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ભારતે વિકસાવેલી સ્વદેશી દિશાશોધન પ્રણાલી ‘Indian Regional Navigation System (IRNSS) ને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઇ ચૂકી છે. આઇઆરએનએસએસ એ ભારતની જીપીએસ સિસ્ટમ છે.
જે રીતે અમેરિકાની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)નો ઉપયોગ દિશા તેમજ સ્થળ શોધવા માટે થાય છે, એ જ રીતે IRNSS નેવિગેશન માટે ઉપયોગી છે. ઇસરોએ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોનું ઝૂંડ ગોઠવીને આ સુવિધા વિકસિત કરી છે. આ પ્રકારની નેવિગેશન સિસ્ટમ ધરાવતો ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે.
ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશને ભારતની આ સિસ્ટમને સ્વિકૃતિ આપી છે. આ સ્વિકૃતિ બાદ હવે IRNSSનો ઉપયોગ હિંદ મહાસાગરમાં ભારતની ભૂમિથી 1500 કિલોમીટર સુધીના વિસ્તારમાં નેવિગેશન માટે થશે.
આપને જણાવી દઇએ કે જીપીએસ એ એક વૈશ્વિક સિસ્ટમ છે, જેમાં 31 ઉપગ્રહોનો વપરાશ થાય છે. ભારતે અત્યારે ભારત અને ભારતના સમુદ્રી વિસ્તાર પૂરતી નેવિગેશન સિસ્ટમ વિકસાવી છે, જેમાં 7 ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવે છે.
સમુદ્રમાંથી પસાર થતા વ્યાપારી જહાજોએ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવો ફરજિયાત હોય છે. પરંતુ અત્યાર સુધી તેમની પાસે જીપીએસ અને ચીન તથા યુરોપની સિસ્ટમ જેવા મર્યાદિત વિકલ્પો હતા.
નોંધનીય છે કે, હવે ભારતની આ સ્વદેશી સિસ્ટમને આંતરરાષ્ટ્રીય મંજૂરી મળતા હિન્દ મહાસાગરમાંથી પસાર થતા જહાજો તેનો ઉપયોગ કરી શકશે. કોઈ પણ સમયે હિન્દ મહાસાગરમાં મોટા કદના 2500 જેટલા વેપારી જહાજો હોય જ છે. તેમને આ સિસ્ટમ બહુ ઉપયોગી થશે.
(સંકેત)