- બિહારમાં શનિવારે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ
- સાંજે 6 વાગ્યા સુધી 78 બેઠકો પર 56.16 ટકા મતદાન થયું
- ત્રીજા તબક્કામાં 1204 ઉમેદવારો મેદાનમાં હતા
પટના: બિહારમાં શનિવારે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. બિહારમાં શનિવારે ત્રીજા અને અંતિમ તબક્કામાં 78 બેઠકો પર મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યા સુધી 56.16 ટકા લોકોએ મતદાન કર્યું હતું. ત્રીજા તબક્કામાં 1204 ઉમેદવારો મેદાનમાં હતા. તેમાં 1094 પુરુષ અને 110 મહિલાઓ સામેલ છે. આ 78 બેઠકો પર 2.35 કરોડ મતદારો હતા. કોરોના મહામારીને કારણે આ વખતે મતદાનનો સમય 1 કલાક માટે વધારવામાં આવ્યો હતો. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી 74 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ ચરણમાં 55.68 ટકા જ્યારે બીજા ચરણમાં 55.70 ટકા મતદાન થયું હતું.
ક્યાં જીલ્લામાં કેટલું મતદાન થયું
અંતિમ તબક્કાના મતદાનની 5 મહત્વપૂર્ણ વાતો
- બિહારની ગાયઘાટ બેઠક પર સૌથી વધુ 31 ઉમેદવારો મેદાનમાં હતા. સૌથી ઓછા 9 ઉમેદવાર ઢાકા, ત્રિવેણીગંજ, જોકિહાટ અને બહાદુરગંજમાં હતા.
- સૌથી વધુ 44 બેઠકો પર રાજદ અને 35 પર લોજપાએ ચૂંટણી લડી. ભાજપ અને જેડીયુએ 29-29, કોંગ્રેસે 21 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા.
- 33 હજાર 782 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા. 45 હજાર 953 બેલેટ યુનિટ અને 33 હજાર 782 VVPATનો ઉપયોગ થયો.
- મતદારોની દૃષ્ટિએ સૌથી મોટી વિધાનસભા બેઠક સહરસા હતી. અહીંયા 3.70 લાખ મતદારો હતા. જેમાં 1.92 લાખ પુરુષ, 1.77 લાખ મહિલા અને 2 ટ્રાંસજેંડર હતા.
- મતદારોની દૃષ્ટિએ સૌથી નાની વિધાનસભા બેઠક હાયાઘાટ હતી. અહીંયા 2.41 લાખ મતદારો હતા. જેમાં 1.27 લાખ પુરુષ, 1.14 લાખ મહિલા અને 4 ટ્રાન્સજેંડર મતદારો હતા.
નોંધનીય છે કે, ત્રીજા ચરણના મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ હિંસાની ઘટનાઓ બની હતી. જેમાં પૂર્ણિયામાં CISF જવાનોએ લોકોને સોશિયલ ડિસટન્સિંગની અપીલ કરતા લોકોએ તેને માર માર્યો હતો. બચાવમાં જવાનોએ 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. બાદમાં 4 લોકોની અટકાયત કરવામાં આવી હતી. સુપૌલ અને મુઝફ્ફરપુરમાં મતદારોનું મૃત્યુ થયું હતું. મોટા ચહેરાઓમાં શરદ યાદવની પુત્રી અને બિહારીગંજથી કોંગ્રેસ ઉમેદવાર સુભાષિની અને પ્લૂરલ્સ પાર્ટીના પ્રમુખ પુષ્પમ પ્રિયા ચૌધરીએ મતદાન કર્યું હતું.
(સંકેત)