પીએમ મોદીનો ડ્રીમ પ્રોજકેટ: બનારસમાં કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરના નિર્માણની પૂરજોશમાં તૈયારી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન થશે સાકાર
- કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું નિર્માણ કાર્ય શરૂ
- રૂદ્રાક્ષના 350 થી વધુ રોપાઓનું કરાશે વાવેતર
કાશી: બનારસમાં કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ કોરિડોર પરિયોજનાનો પાયો વર્ષ 2009માં તત્કાલીન રાજ્ય સરકારના કાર્યકાળમાં નાખ્યો હતો, પરંતુ સ્થાનિક વિરોધને કારણે આ પરિયોજનાને અટકાવી દેવામાં આવી હતી. 2018ની શરૂઆતમાં હાલની રાજ્ય સરકારે આ પરિયોજનાને પુનર્જીવિત કરી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ ધામના મણીમાલાના મંદિરોનો ઐતિહાસિક દસ્તાવેજ દેશ અને દુનિયાની સામે હશે. એએસઆઈ ભોપાલ મંદિર સર્વેની ત્રણ સભ્યોની ટીમે કાશી વિશ્વનાથ ધામમાં મળેલા પ્રાચીન મંદિરોના ઇતિહાસના દસ્તાવેજો તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે. પરિયોજનામાં મળેલ પ્રાચીન મંદિરોના ઇતિહાસ ઉપરાંત, તેમની પ્રાચીનકાળ,તેમની વિશેષતા,મંદિરોના નિર્માતા વિશેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. કાશી વિશ્વનાથ ધામના નિર્માણ માટે ખરીદેલી ત્રણસો બિલ્ડિંગોમાં 60થી વધુ નાના-મોટા મંદિરો મળી આવ્યા છે. એમાંથી લગભગ એક ડઝન મંદિરોની વાસ્તુ કલા ખૂબ જ અદ્ભુત છે. આવા ભવ્ય કોતરકામ પત્થરો દ્વારા કોતરવામાં આવ્યા છે, જે પોતાનામાં અદ્ભુત છે. તેમાં ત્રીસ મંદિરો એવા છે,જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણના કાશી વિભાગમાં મળી આવે છે.
વિશ્વનાથ ધામમાં મળેલા મંદિરોના નવીનીકરણ અને જાળવણી માટેની પહેલ કરવામાં આવી રહી છે. કાશી હિન્દુ યુનિવર્સિટી અને સંસ્કૃતિ મંત્રાલયની ટીમને સંરક્ષણ કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે. બાબા દરબાર પરિસરથી લલિતા અને મણિકર્ણિકા ઘાટ સુધી બનાવવામાં આવેલ કાશી વિશ્વનાથ ધામ વાસ્તવિક રૂપથી ધર્મ નગરીનો અહેસાસ કરાવશે. તો બીજી બાજુ અહીં આનંદ કાનન અને રુદ્ર વનની કલ્પના સાકાર થશે. રુદ્રના જંગલમાં રૂદ્રાક્ષના 350 થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
પાંચ લાખ ચોરસ ફૂટના કોરિડોર વિસ્તારમાં માત્ર 30 ટકા વિસ્તારનું નિર્માણ કરવામાં આવશે. કલ્ચર સેંટર, વૈદિક કેન્દ્ર,ટુરીસ્ટ ફેસીલિટેશન સેંટર, શહેર સંગ્રહાલય, જપ-તપ ભવન, ભોગશાળા, મોક્ષ ભવન અને દર્શનાર્થી સુવિધા કેન્દ્ર મહત્તમ બે માળની હશે અને ઉંચાઈ વિશ્વનાથ મંદિરની ટોચથી ઉપર રહેશે નહીં. સુરક્ષા એરપોર્ટ જેવી હશે.
_Devanshi