- NSA અજીત ડોભાલે ચીન અને પાકિસ્તાન પર આડકતરી રીતે સાધ્યું નિશાન
- ભારત જ્યાંથી પણ ખતરો હશે ત્યાં પ્રહાર કરશે: અજીત ડોભાલ
- જરૂર પડે યુદ્વ કરીશું પરંતુ અંગત સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટે કરીશું: અજીત ડોભાલ
નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તંગદિલી ચાલી રહી છે ત્યારે આ તણાવની વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ એ રવિવારે ચીન અને પાકિસ્તાન પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. ડોભાલે દુશ્મનો પર નિશાન સાધ્યું હતું કે ઇતિહાસ સાક્ષી છે કે ભારતે ક્યારેય પણ કોઇ પણ દેશ પર હુમલો નથી કર્યો પરંતુ એ નક્કી છે કે જ્યાંથી ખતરો હશે, ત્યાં પ્રહાર કરવામાં આવશે.
ગઇકાલે વિજયાદશમી પર્વ પર ઉત્તરાખંડના ઋષિકેશમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા NSA અજીત ડોભાલે કહ્યું હતું કે, આપણે ત્યાં લડીશું જ્યાં આપની ઇચ્છા હશે એવું કોઇ જરૂરી તો નથી. જ્યાંથી ખતરાનો અનુભવ થઇ રહ્યો છે ત્યાં યુદ્વ લડીશું.
ડોભાલે વધુમાં ઉમેર્યું હતું કે આપણે યુદ્વ તો કરીશું, પોતાની જમીન પર પણ કરીશું અને બહારની જમીન પર પણ કરીશું પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટે કરીશું. ભારત ભલે વર્ષ 1947માં અસ્તિત્વમાં આવ્યું હોય પરંતુ પ્રાચીન ભારતીય જ્ઞાન-વિજ્ઞાનના વખાણ સમગ્ર વિશ્વ હંમેશાથી કરતું આવ્યું છે.
ભારતની સંસ્કૃતિ વિશે કહ્યું હતું કે ભારત પોતાની સમૃદ્વ સંસ્કૃતિ અને સભ્યાના કારણે કોઇ ધર્મ કે ભાષાના વાડામાં બંધાયું નથી. પરંતુ આ ધરતીથી વસુધૈવ કુટુંબકમ અને દરેક મનુષ્યમાં ઇશ્વરનો અંશ ઉપસ્થિત છે આ ભાવનો પ્રચાર પ્રસાર થયો. ભારતને એક દેશ તરીકે મજબૂત ઓળખ અપાવવા અને સંસ્કારી બનાવવામાં અહીંના સંત અને મહાત્માઓનું મોટું યોગદાન રહ્યું.
નોંધનીય છે કે, NSA અજિત ડોભાલના નિવેદન પર સરકાર તરફથી સ્પષ્ટતા કરતાં કહેવામાં આવ્યું છે કે એનએસએનું નિવેદન ચીનને લઈ નથી આપવામાં આવ્યું પરંતુ ભારતની આધ્યાત્મિક વિચારધારા પર આપવામાં આવ્યું છે.
(સંકેત)