- આજે ખાદ્ય અને કૃષિ સંગઠનની75 મી વર્ષગાંઠ
- પીએમ મોદી 75 રૂ.નો સ્મૃતિ સિક્કો કરશે જારી
- આઠ પાકોની 17 પ્રજાતિઓને દેશમાં કરશે સમર્પિત
- કાર્યક્રમમાં કૃષિમંત્રી સહીતના લોકો રહેશે ઉપસ્થિત
અમદાવાદ: સંયુકત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનની આજે એટલે કે 16 ઓક્ટોબરના રોજ 75મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો જારી કરશે. આ સિક્કો ખાદ્ય અને કૃષિ સંગઠન અને ભારતના લાંબા ગાળાના સંબંધોને લઈને જારી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આ દરમિયાન હાલમાં વિકસિત આઠ પાકોની 17 પ્રજાતિઓને પણ દેશમાં સમર્પિત કરશે.
સરકાર તરફથી કૃષિ અને પોષણને પ્રાથમિકતા આપવાની દિશામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ભૂખ અને કુપોષણને સંપૂર્ણપણે સમાપ્ત કરવા સરકારના સંકલ્પને આ કાર્યક્રમ દ્વારા પ્રદર્શિત કરવાની તૈયારી છે. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
ભારતનો એફએઓ સાથે એતિહાસિક સંબંધ
નબળા વર્ગને પોષણ રૂપથી મજબુત બનાવવાની દિશામાં ખાદ્ય અને કૃષિ સંગઠનની એક અનન્ય યાત્રા રહી છે. ભારતનો ખાદ્ય અને કૃષિ સંગઠન સાથે એતિહાસિક સંબંધ છે. ભારતીય સિવિલ સર્વિસના અધિકારી ડો. બિનય રંજન સેન 1956–1967 દરમિયાન ખાદ્ય અને કૃષિ સંગઠનના ડાયરેક્ટર જનરલ હતા. વિશેષ વાત એ છે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ કે જેણે નોબેલ શાંતિ પુરસ્કાર -2020 જીત્યો તેની સ્થાપના તેમના સમય દરમિયાન થઈ હતી.
કાર્યક્રમમાં આ લોકો રહેશે હાજર
આ કાર્યક્રમમાં દેશભરના આંગણવાડીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ઓર્ગેનિક અને બાગાયત અભિયાનો સાથે જોડાયેલા લોકો સામેલ થશે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
_Devanshi