ટૂંક સમયમાં શરૂ થશે હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસ, માત્ર 4 કલાકમાં હજીરાથી ઘોઘા પહોંચી શકાશે
- ગુજરાતમાં રો-રો ફેરી સર્વિસને લઇને આવ્યા મહત્વના સમાચાર
- ટૂંક સમયમાં શરૂ થશે હજીરાથી ઘોઘાની રો-રો ફેરી સર્વિસ
- હજીરાથી ઘોઘા સુધીનું અંતર માત્ર 4 કલાકમાં કાપી શકાશે
સુરત: ગુજરાતમાં રો-રો ફેરી સર્વિસને લઇને એક મહત્વના સમાચાર છે. હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસ શરૂ થવાના ચોઘડિયા હવે નજીક આવી રહ્યા છે. શહેરના સૌરાષ્ટ્રવાસીઓ કાગડોળે જેની રાહ જોઇ રહ્યા છે તે હજીરાથી સૌરાષ્ટ્ર ઘોઘા રો-રો ફેરી સર્વિસ આગામી ગણતરીના દિવસોમાં કાર્યરત થઇ જશે. હાલમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડના સહયોગથી હજીરા ખાતે અદાણી જૂથ દ્વારા રો-પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી આગામી 20 તારીખ સુધી પૂર્ણ થાય તેવી સંભાવના છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આગામી 15મી ઑક્ટોબરના રોજ આ અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાયલ રન માટેની તારીખ નિર્ધારિત કરવામાં આવશે. તા.31મી ઑક્ટોબરે સંભવત: ફેરીની સર્વિસ જાહેર થઇ શકે છે. કંપની દ્વારા જાહેર કરાયેલા શેડ્યુલ પ્રમાણે ઘોઘાથી પ્રથમ દિવસે સવારે 7 વાગ્યાથી નીકળીને 11 વાગ્યે હજીરા પહોંચશે. ત્યારબાદ તે દિવસે જ 12 વાગ્યે હજીરાથી નીકળીને બપોરે 4 વાગ્યે ફરી ઘોઘા ફેરી પહોંચશે.
આ ફેરી ત્રીજો રાઉન્ડ લેતાં ઘોઘાથી 5 વાગ્યે નીકળીને રાત્રે 9 વાગ્યે હજીરા આવશે. જે બીજા દિવસે ફરી સવારે 7 વાગ્યાથી હજીરાથી નીકળીને 11 વાગ્યો ઘોઘા, 12 વાગ્યે ઘોઘાથી નીકળીને બપોરે 4 વાગ્યે હજીરા આવશે. 5 વાગ્યે ફરીથી હજીરાથી નીકળીને 9 વાગ્યે ઘોઘા પહોંચશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દહેજ-ઘોઘા ફેરી શરૂ થઈ ત્યારે સુરતથી દોઢ કલાકના અંતરે દહેજ પહોંચ્યા બાદ ત્યાંથી ઘોઘા 4 કલાકની દરિયાઈ સફર બાદ સૌરાષ્ટ્રવાસી લોકો પોતાના વતનની નજીક પહોંચી જતાં હતા. જોકે, પાછલા વર્ષે પડેલા વધુ વરસાદની ડ્રેજિંગની કામગીરી કાચબા ગતિએ થતાં ઘોઘા-દહેજ ફેરી સર્વિસને વારંવાર બ્રેક લાગી છે.
(સંકેત)