વિશ્વ ફલક પર ગુજરાત ચમક્યું, શિવરાજપુર-ઘોઘલા બીચની વિશ્વના સૌથી સ્વચ્છ બીચની યાદીમાં સ્થાન
- વિશ્વ ફલક પર ગુજરાત વધુ એક વખત ચમક્યું
- વિશ્વના સૌથી સ્વચ્છ બીચોમાં ગુજરાતના શિવરાજપુર-ઘોઘલા બીચને સ્થાન
- 8 બીચોને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું
નવી દિલ્હી: વિશ્વ ફલક પર ગુજરાત ફરી એક વખત ચમક્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા શિવરાજપુર અને દીવ ઘોઘલા સહિતના ભારતના 8 દરિયાઇ બીચને ઇકો ફ્રેન્ડલી તેમજ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસારની સ્વચ્છતા ધરાવતા બીચની યાદીમાં સ્થાન મળ્યું છે. ઇકો ફ્રેન્ડલી, સ્વચ્છ અને આંતરરાષ્ટ્રીય માપદંડો પર આધારિત પર્યટન સુવિધાઓ ધરાવતા દરિયાઇ બીચોમાં ભારતને સ્થાન મળ્યું છે.
કેન્દ્ર મંત્રાલય અનુસાર આંતરરાષ્ટ્રીય જ્યૂરી દ્વારા પાંચ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા 8 બીચોને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું હતું. સરકાર તરફથી 18મી સપ્ટેમ્બરે આ બીચને આંતરરાષ્ટ્રીય ઇકો-લેબલ માટે ભલામણ કરાઇ હતી.
આ જ્યૂરી વિશે વાત કરીએ તો આ જ્યૂરી યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ(UNEP), ધ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, ડેનમાર્કના NGO ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન (FEE) અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ના સભ્યોની બનેલી છે.
બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન વિશે જાણો
બ્લૂ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે. આ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઇકો લેબલ છે. બ્લૂ ફ્લેગ મેળવવા માટે પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતાના અનેક માપદંડોની ચકાસણી કરવામાં આવે છે. આ સર્ટિફિકેટ ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન નામની બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા અપાય છે.
શિવરાજપુર ગુજરાતનો પહેલો એવો બીચ છે જેને આ પ્રકારની ઓળખ મળી છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચને પણ આઠ બીચમાં સ્થાન મળ્યું છે. આ વિશે દીવના કલેક્ટર સલોની રાય જણાવે છે, ખૂબ જ ખુશી સાથે જણાવી રહી છું કે, દીવનો ઘોઘલા બીચ દેશના ‘બ્લૂ ફ્લેગ’ સર્ટિફિકેટ મેળવનારા બીચમાંથી એક છે.
શિવરાજપુર અને ઘોઘલા સહિતના આઠ બીચોમાં કર્ણાટકના કાસરગોડ અને પદુબિદ્રી, કેરળના કપ્પડ, આંધ્રપ્રદેશના રુશિકોંડા, ઓરિશાના ગોલ્ડન અને અંદામાનના રાધાનગરનો સમાવેશ થાય છે. આ સાથે ભારત હવે દુનિયાના 50 બ્લૂ ફ્લેગ દેશોમાં સામેલ થયું છે.
(સંકેત)