જીવનમાં શું કરવાનું છે એ નક્કી કરી લો, તો તમે કાંઈપણ કરી શકો છો – ડૉ. નાગેશ ભંડારી
– વિનાયક બારોટ
આપણને સૌને કદાચ દુનિયાની બધી ભાષા વિશે તો એટલી જાણ ન હોય, પણ આપણે સૌ કોઈ તે કહેવતથી જાણકાર જ હોઈશું કે મન હોય તો માળવે જવાય. આ કહેવતનો અર્થ એટલો જ છે જીવનમાં શું કરવુ છે તે નક્કી કરી લેવામાં આવે તો પછી કોઈપણ વસ્તુ કે કામ તમારા માટે અશક્ય રહેતું નથી.
આવુ જ એક વ્યક્તિત્વ છે ડૉ. નાગેશ ભંડારીનું – કે જેઓ પ્રખ્યાત સ્પાઈન સર્જન છે અને પોતાના સિદ્ધાંત અને પોતાના પર વિશ્વાસથી અનેક સફળતાઓ પોતાના નામે કરી છે. ડૉ.નાગેશ ભંડારી કે જેમણે પોતાના જીવનમાં આવેલા તમામ પ્રસંગોમાંથી કાંઈક શીખ્યું છે.
નાનપણનો યાદગાર પ્રસંગ
દરેક વ્યક્તિના જીવનમાં બાળપણમાં ઉતાર-ચઢાવવાળા પ્રસંગ આવે પણ મહત્વનું તો એ હોય છે કે તેમાંથી શીખવામાં શું આવે છે. ડૉ.નાગેશ ભંડારીના જીવનમાં તે પ્રસંગ એવો હતો કે તેમના માતા અને ભાઈ બસ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બસનો અકસ્માત થયો હતો. અકસ્માતના કારણે લાંબા સમય સુધી તેમના નાના ભાઈ અને તેમના માતાની હોસ્પિટલમાં સારવાર ચાલી અને આ સમયમાં તેઓ ઘરની જવાબદારી લેવાનું શીખી ગયા.
આ બાબતે તેઓએ જણાવ્યું કે આ પ્રકારની ઘટના બની ત્યારે પિતા અને મોટાભાઈ જે સેવા માટે માતા અને નાના ભાઈ સાથે હોસ્પિટલમાં જ રહેતા હતા અને ઘરની કેટલીક જવાબદારી તેમના શિરે આવી હતી તો આ મુશ્કેલી ભર્યા સમયને ડૉ. નાગેશ ભંડારીએ ભગવાને આપેલી તક સમજી અને ઘરના અનેક કામ તેઓ શીખી ગયા. સામાન્ય રીતે અન્ય લોકો આવી સ્થિતિમાં ચિંતિત થઈ જતા હોય છે પણ ડૉ. નાગેશ ભંડારીનો જવાબદારી લેવા માટે આત્મવિશ્વાસ વધી ગયો.
વિશ્વાસ અને પ્રેક્ટિસથી શરત જીતી
ડૉ. નાગેશ ભંડારી જ્યારે ધોરણ 10માં ભણતા હતા ત્યારે તેમના જીવનમાં એક રોચક પ્રસંગ બન્યો. એ વાત એવી હતી કે ડૉ. નાગેશ ભંડારી તેમના ભાઈ સાથે સ્વિમિંગ પૂલમાં તરવા જતા હતા ત્યારે ડૉ. નાગેશ ભંડારીના મોટા ભાઈએ તેમના મિત્ર સાથે શરત લગાવી કે મારો ભાઈ નાગેશ 8 કીમી તરશે.
શરત એવી હતી કે હારશે તો 25 રૂપિયા આપવા પડે અને જીતી જશે તો 100 રૂપિયા મળે. તે સમયે ડૉ. નાગેશ ભંડારીની સ્થિતિ એવી હતી કે તીર કમાનમાંથી નીકળી ગયુ હતું અને મહેનત અને પ્રેક્ટિસ સિવાય કોઈ અન્ય વિકલ્પ હતો નહી. આ બાદ ડૉ.નાગેશ ભંડારી કે જેઓ પહેલા સરેરાશ સ્વિંમિંગ પૂલમાં તરવાના 35-40 રાઉન્ડ લગાવતા હતા તે 80 રાઉન્ડ લગાવવાની પ્રેક્ટિસ કરવા લાગ્યા.. જો કે અચાનક જ કોઈ પણ વસ્તુ માટે પ્રેક્ટિસ બમણી કરી દેવી તે આસાન હોતું નથી.
ડૉ. નાગેશ ભંડારીએ આ માટે થોડા દિવસ પ્રેક્ટિસ કરી અને તે બાદ 3.5 કલાકમાં 8 કીમી તર્યા હતા ને શરત જીતી ગયા હતા. આ શરતવાળા અનુભવથી તેઓ શીખ્યા કે જો કોઈ પણ વસ્તુને મેળવવા માટે લક્ષ્ય હોય, ઈચ્છાશક્તિ હોય અને તમારામાં પરિશ્રમ કરવાની શક્તિ હોય તો તમે તે વસ્તુને મેળવી શકો છો.
ઉલ્લેખનીય વાત તો તે હતી કે જ્યારે ડૉ. નાગેશ ભંડારી આ શરત માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના પિતાજીને પણ તેમના પર વિશ્વાસ ન હતો. ડૉ. નાગેશ ભંડારીએ શરત જીતી લીધી છે તે વાત તેમના પિતાને નહોતી કહી પણ છેલ્લે નમ્રતાથી કહ્યું કે પિતાજી ચીંતા ન કરો, શરત હુ જીતી ગયો..
સફળતામાં પરિવારનો સાથ-સહકાર
જીવનમાં તમને જે પણ સફળતા મળે તેનું આંકલન ન લગાવી શકાય.. એમ દરેક વ્યક્તિના જીવનમાં – પોતાની સફળતામાં પરિવારનો સાથ-સહકાર કેટલો છે તેનો અંદાજ ન લગાવી શકાય. ડૉ.નાગેશ ભંડારીએ પોતાની સફળતામાં પરિવારના સાથ સહકાર વિશે કહ્યુ કે તેમના પરિવારે હંમેશા તેમને સહકાર આપ્યો છે અને પરિવારના ચાર ભાઈ તે ચાર નહી પણ ચાર હજાર ચારસો ચુમ્માલીસ બરાબર છે કે જેઓ હંમેશા સાથ સહકાર માટે તૈયાર રહે છે.
પરિવારના સાથ-સહકાર પર ડૉ. નાગેશ ભંડારીએ કહ્યું કે અમારો સંપ અને એક બીજા પ્રત્યેનો જે પ્રેમ છે તેના કારણે જીવનના કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં તેમને તક્લીફ પડી નથી.
જીવનનો સિદ્ધાંત
મુકામ વગર રસ્તા પર ચાલવુ નકામું.. આ વાતને સાદી રીતે કહીએ તો એવી છે કે જીવનમાં કેવા સિદ્ધાંત સાથે રાખીને ચાલવું તે પણ જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. ડૉ.નાગેશ ભંડારીએ આ બાબતે કહ્યું કે “વ્યવસાયથી એક સ્પાઈન સર્જન તરીકે તેઓ ક્યારેય પ્રેક્ટિસ કરવા માટે કોઈની પાસેથી કમિશન લેશે નહી અને કોઈને દેશે નહી.”
તેઓ તેમના જીવનના સિદ્ધાંતને લઈને માને છે કે તેઓ જો કોઈની પાસેથી કમિશન લે તો ક્યારેક તેના માટે ખોટું કામ કરવુ પડી શકે છે અને સૌથી મોટો ગુણ તો એ છે કે ક્યારેય પોતાને 100 ટકા સાચા છે તેવુ નથી માનતા. પોતાના જીવનના સિદ્ધાંત પર અડગ રહેવાથી તેમણે જીવનમાં કોઈ ખોટો નિર્ણય નથી લીધા તે વાતનો તેમને પોતાના ગર્વ છે.
જીવનમાં શિક્ષક જ પ્રેરણાસ્ત્રોત
દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ તો પ્રેરણાસ્ત્રોત તો હોય જ.. પણ જ્યારે તે પ્રેરણાસ્ત્રોત તમારા શિક્ષક જ હોય ત્યારે જીવનમાં કાંઈક વધારે જ શીખવા મળે. ડૉ.નાગેશ ભંડારીના જીવનમાં તેમના શિક્ષકો જે તેમના પ્રેરણાસ્ત્રોત હતા. આ બાબતે તેઓએ કહ્યું કે તેમના શિક્ષકો પાસેથી તેમણે જીવનમાં ક્યારેય હાર ન માનવાનું શીખ્યા. શિક્ષકો પાસેથી તેઓ તે પણ શીખ્યા કે દ્રઢ નિર્ણય અને ઈચ્છા શક્તિ હોય તો કોઈ પણ કામને સફળ બનાવી શકો છો અને તેના કારણે તેમને પણ સફળતા મળી.
સમાજ માટે સંદેશ
આ બાબતે ડૉ. નાગેશ ભંડારી માને છે કે જીવનમાં સનાતન ધર્મના નિયમ પ્રમાણે જીવન ચલાવો તો આનંદ મળશે કેમ કે સનાતન ધર્મ એક જ રસ્તો છે જીવનને સારી રીતે જીવવાનો.
શિક્ષણ પર અભિપ્રાય
ઈન્ડસ યુનિવર્સિટીના પ્રમુખપદે હાલ ડૉ.નાગેશ ભંડારી પદભાર સંભાળી રહ્યા છે અને ભવિષ્યમાં શિક્ષણ અને ઈન્ડસ યુનિવર્સિટી માટે પણ તેમણે પોતાનો અભિપ્રાય આપ્યો.. તેઓ માને છે જે રીતે ભારતનું શિક્ષણ છે તેમાં આપણે ટેક્નિકલ માણસની જગ્યાએ એક ક્લાર્કને બનાવી રહ્યા છીએ. આ કારણે જે પણ વિદ્યાર્થી ભણીને નીકળે છે તેની પાસે માત્ર પુસ્તકીય જ્ઞાન હોય છે પણ પ્રેક્ટિકલ જ્ઞાન નથી હોતુ.
દેશમાં શિક્ષણનીતિમાં કરવામાં આવેલા ફેરફારને લઈને પણ કહ્યું કે નવી શિક્ષણનીતિથી ભવિષ્યમાં શિક્ષણક્ષેત્રે મોટા સુધારા જોવા મળશે.
શિક્ષણ એટલે કે કાંઈ પણ શીખવા માટેની પ્રક્રિયા.. તો આ બાબતે તેમણે કહ્યું કે ક્યારેય કોઈ પણ વિદ્યાર્થીએ કે વ્યક્તિએ એક જ આવડત પર ટકી રહેવુ જોઈએ નહી. લોકોએ આસપાસની વસ્તુઓ પર પણ ધ્યાન આપવુ અને તેને શીખવુ જોઈએ. આ બાબતે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે તેઓ ડોક્ટર છે તો પણ અન્ય વસ્તુઓ શીખવાની ઈચ્છા રાખે છે અને આ રીતે રહેવાથી અનેક મુશ્કેલીઓનું નિવારણ મળી જાય છે. જીવનમાં કોઈ એક જ વસ્તુ પર ધ્યાન આપી રાખવાથી અથવા આધારિત રહેવાથી ભૂલ થવાની સંભાવનાઓ પણ વધી જાય છે.
વિદ્યાર્થીઓ માટે પુસ્તક વાંચવા જરૂરી છે પણ પોતાના વિષયમાં તેઓ પ્રેક્ટિકલ પર વધારે ધ્યાન આપવું જોઈએ.. જેથી જીવનમાં જ્યારે તેઓ કંપનીમાં કામ કરવા જાય ત્યારે આસાનીથી તે કામને કરી શકે.
પાઈલોટ ટ્રેઈનિંગથી લઈને પાઈલોટ ઈન્સ્ટિટ્યૂટ
ડૉ.નાગેશ ભંડારી જ્યારે મેડિકલ ડીગ્રીનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે કોલેજમાં પાઈલોટ ટ્રેઈનિંગ માટે સ્કોલરશીપ મળતી હતી.. તે સમયે તેમને પાઈલોટ ટ્રેઈનિંગ લેવાની પણ ઈચ્છા થઈ હતી જો કે નસીબજોગે પહેલીવારના પ્રયાસમાં તેઓને તક ન મળી પણ હાર માની નહોતી.. ડૉ.નાગેશ ભંડારી કે જેમણે ફરીવાર સ્કોલરશીપ લીધી એને પાઈલોટ ટ્રેઈનિંગ લીધી. તેમની પાસે 40-60 કલાક જેટલો ફ્લાઈંગ કરવાનો અનુભવ પણ છે.
જીવનમાં હંમેશા એક જ આવડત ના હોવી જોઈએ તે વાતને તેઓ સારી રીતે સમજતા હતા અને વર્ષ 1994માં પોતાની પાઈલોટ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ પણ કરી જે ગુજરાતની સૌથી જુની પાઈલોટ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટ છે.
જીવનનું એક યાદગાર ઓપરેશન
ડૉ.નાગેશ ભંડારીએ પોતાના જીવનકાળ દરમિયાન દેશ તથા વિદેશમાં અનેક ઓપરેશન કર્યા છે અને અનેક લોકોની મોટી મોટી બીમારી દુર કરી છે. તેમાંનું એક યાદગાર ઓપરેશન એ હતુ કે એકવાર
એક પેશન્ટને સ્પાઈન કોર્ડ પરુ થઈ જવાની ગંભીર બીમારી થઈ ગઈ હતી અને તેના કારણે તેમના હાથ અને પગ પેરાલીસીસ થઈ ગયા હતા.
આ સમયે ડૉ.નાગેશ ભંડારીએ ઈમરજન્સીમાં નવી ટેક્નિકથી તે પેશન્ટનું ઓપરેશન કર્યું હતુ અને દર્દી સ્વસ્થ કર્યો હતો. જો કે દર્દીને લાગે કે હવે આપણે સાજા થઈ ગયા છે એટલે એ તરત જ ઘર તરફ ભાગ અને તે સમયે ડૉ.નાગેશ ભંડારીએ ફીઝીયોથેરાપી માટે થોડા દિવસ હોસ્પિટલમાં જ દાખલ રહેવાની સૂચના પણ આપી હતી – પણ તે દર્દી આખરે વાત ન માનીને ઘરે જતો રહ્યો..
આ દર્દી સાથે ફરીવાર મુલાકાત ત્યારે થઈ જ્યારે ડૉ.નાગેશ ભંડારીના જૂનિયરે તેમને યાદ કરાવ્યું કે સાહેબ આ તે જ દર્દી છે જેનું તમે નવી ટેક્નિકથી ઓપરેશન કર્યું હતુ અને પછી ઉતાવળથી ઘરે જતા રહ્યા હતા. તો તે સમયે ડૉ.નાગેશ ભંડારીને તે દર્દીને જોઈને ખુબ આનંદનો અનુભવ થયો હતો.