- સ્ટ્રીટફૂડ વેચનાર ધંધાદારીઓને મળશે મોટું બજાર
- 250 જેટલા વેંડરો પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ જોડાયા
- ધંધાદારીઓને મળશે 10000 રૂપિયાની સહાય
નવી દિલ્લી: પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે ફૂડ ડીલીવરી એપ સ્વિગી સાથે હાથ મિલાવ્યો છે. સરકારની આ અનોખી પહેલથી સ્ટ્રીટફૂડ વેચનાર ધંધાદારીઓને મોટું બજાર મળશે. તો સામાન્ય લોકોને પણ સસ્તું અને તેમના પસંદનો ખોરાક તેમના ઘર સુધી ડીલીવરી થઇ શકશે.આ પ્રોગ્રામ ફક્ત 5 શહેરોથી શરૂ કરવામાં આવશે.જેમાં દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ, ઇન્દોર અને વારાણસી જેવા શહેરો સામેલ હશે. માનવામાં આવી રહ્યું છે કે આ 5 શહેરોમાંથી આ પ્રોગ્રામને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ આ યોજનાથી લગભગ 250 જેટલા વેંડરો આ યોજના સાથે જોડાયેલા છે. આ સાથે જ પીએમ સ્વાનિધિ ડેશબોર્ડનું અપડેટ કરેલું વર્ઝન, 50 લાખથી વધુ સ્ટ્રીટફૂડ વેચનાર ધંધાદારીઓને ફાયદો થશે. ખરેખર સરકાર ઈચ્છે છે કે,લોકો કોરોના સમયમાં ઘરેથી ઓછા જ બહાર નીકળે. ખાસ કરીને સ્ટ્રીટફૂડ ખાવા માટે લોકોની ભારે ભીડ હોય છે.જ્યાં સોશિયલ ડીસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવતું નથી.એવામાં ઘર પર જ ડીલીવરી થવાથી આ સમસ્યાને અમુક હદ સુધી રાહત મળી શકે છે.
એક તરફ જ્યાં આ યોજનાથી સામાન્ય લોકોને તેમની પસંદનું ખાવાનું મળી શકશે. તો બીજી તરફ સ્ટ્રીટફૂડ વેચનાર ધંધાદારીઓને એક નવું બજાર મળી શકશે જેનાથી તેમના વેચાણમાં વધારો અને કારોબારમાં પણ વધારો થશે. એવામાં સરકારની આ પહેલ સ્ટ્રીટ વેંડર્સ માટે કારોબાર વધારવા માટે વરદાન સાબિત થઇ શકે છે. શહેરી વિકાસ મંત્રાલય એફએસએસએઆઈ, સ્વિગી અને જીએસટી અધિકારીઓ વચ્ચે તેનો અમલ કરવા માટે જોડાણ કરી રહ્યું છે જેથી જલ્દીથી તે આખા દેશમાં શરૂ થઈ શકે.
આ યોજનાને સફળ બનાવવા સરકાર સ્ટ્રીટફૂડ વેચનાર ધંધાદારીઓને 10,000 રૂપિયાની લોન પણ આપશે. જેથી તેઓને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જો કે, આ લોન 1 વર્ષમાં સરકારને પરત કરવાની રહેશે. આ યોજના રૂ.1200 સુધીના કેશના રૂપમાં પ્રોત્સાહનો સાથે ડિજિટલ લેણ – દેણને પણ પ્રોત્સાહન આપે છે. શહેરી વિકાસ મંત્રાલયે 1 જૂન 2020 થી પીએમ સ્વાનિધિ યોજના શરૂ કરી છે. તેનો ઉદ્દેશ કોવિડ- 19 મહામારીને કારણે ડિમોનેટાઇઝેશનથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા સ્ટ્રીટ વેંડર્સને સસ્તા દરે નાની લોન આપવાનું છે.
આ પ્રોગ્રામ હેઠળ સરકાર સ્ટ્રીટફૂડ વેચનાર ધંધાદારીઓને પાન અને એફએસએસએઆઈ નોંધણી કરાવવામાં મદદ કરશે. આ સિવાય તેમને ટેકનોલોજી, મેનૂ ડિજિટાઇઝેશન, કિમત, સાફ – સફાઈ અને પેકેજિંગ વિશે પણ જાગૃત કરવામાં આવશે. સરકારનું માનવું છે કે જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય છે, તો આ પ્રોજેક્ટ તબક્કાવાર રીતે દેશભરમાં લાગુ કરવામાં આવશે.
_Devanshi