ભારતમાં ચોમાસાની વિદાયની સાથે શિયાળાનું આગમન, કડકડતી ઠંડી પડવાની આગાહી
દિલ્હીઃ ઉત્તર ભારતમાં આવેલા પહાડી અને મેદાની પ્રદેશમાં ચોમાસાએ વિધિવત રીતે વિદાય લેતાં શિયાળાનું આગમન થવા લાગ્યું છે. આ વર્ષે શિયાળાની મોસમની મુદત લાંબી રહેવાની સાથોસાથ કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. હવામાં ભેજના ઘટી રહેલા પ્રમાણ, સુકા સુસવાટા મારતા પવનો અને સાફ આકાશ વચ્ચે ઠંડીનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. દિવસે સાધારણ ગરમી પડવા સાથે ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે. તેમજ રાતનું તાપમાન ધીરે ધીરે ઘટી રહ્યું છે. હવામાન તજજ્ઞો અનુસાર, 15 ઓક્ટોબરથી દિવસના તાપમાનમાં પણ ઘટાડો થવા લાગશે.
હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, હવાઓનું વલણ બદલાવા લાગ્યું છે. હવાનું નીચું દબાણ ધરાવતા ઉત્તરના વિસ્તારોમાં હવે હવાનું દબાણ વધતાં સુસવાટા મારતા પવન ફૂંકાવા લાગ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ વ્હીટ એન્ડ બાર્લીના નિદેશક ડોક્ટર જી.પી.સિંહનુંના જણાવ્યા અનુસાર, ઠંડીની વહેલી શરૂઆત અને શિયાળો લાંબો રહેવાના સંકેત છે. રવી પાકના ઉત્પાદન માટે આ અનુકૂળ સ્થિતિ છે. આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતની જમીનમાં પણ પૂરતા પ્રમાણમાં ભેજ હશે તેવામાં શિયાળામાં ઘઉંની ખેતી સારી થશે. કઠોળ અને તેલીબિયાંની ખેતી પણ કુદરતી ભેજ ધરાવતી જમીનમાં થઈ જશે.