વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ગુજરાતના ભાવનગરમાં બનશે
અમદાવાદઃ સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવામાં આવશે. ભાવનગરમાં આ સીએનજી ટર્મિનલ બનાવવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં કુલ રૂ. 1900 કરોડનું મુડી રોકાણ થશે. પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે.
રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં આ CNG ટર્મિનલ આકાર પામશે. પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે. પ્રતિ વર્ષ 45 લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ કરાશે. તેમજ કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટીઝ વિકસાવવામાં આવશે.
CNG ટર્મિનલ કાર્યાન્વીન્ત થતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો કેપેસિટી 9 મિલીયન મેટ્રિક ટન થવાનો અંદાજ છે. જામનગરના સચાણા પોર્ટને પૂન: ધમધમતું કરવા આપેલી મંજૂરી બાદ હવે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલને ભાવનગરમાં નિર્માણની મંજૂરી આપવામાં આવી છે. સી.એન.જી. ટર્મિનલ પ્રોજેક્ટના પરિણામે ભાવનગર અને આસપાસના વિસ્તારોના યુવાનો માટે લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ઉભી થવાની શકયતા છે.