કોરોના વાયરસ, નર્મદામાં સરકારી અને ખાનગી એજન્સીના 50 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ?
અમદાવાદઃ વિશ્વની સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જ્યંતિ નિમિત્તે મુલાકાત લે તેવી શકયતા છે. જેના પગલે અહીં તકેદારીના ભાગરૂપે તમામ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. દરમિયાન 50 જેટલા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. જેમાં CISFના 22 જવાનો તથા અન્ય ખાનગી એજન્સીઓના કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. આ તમામ કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન થવા તાકીદ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા 2800 જેટલા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પહેલા 1800 કર્મચારીઓનો રિપોર્ટ આવ્યો છે. જે પૈકી 9 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે બાકીના 1000 કર્મચારીઓનો રિપોર્ટ આવવાનો બાકી હતો. આ તમામના રિપોર્ટ આવતા કુલ 50 જેટલા કર્મચારી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. કેવડિયા કોલોનીમાં 10 અલગ અલગ કેન્દ્રો પર ટેસ્ટ કરાયા હતા. આ ટેસ્ટ ઝુંબેશમાં કેવડિયા ખાતે ફરજ બજાવતા સરદાર સરોવર નર્મદા નિગમ લી., સ્ટેચ્યુ ઓફ યુનિટી, વનવિભાગ કેવડિયા, ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લી., GSECL, જિલ્લા કલેકટર કચેરી, તેમજ L&T અને ટર્નરનાં તમામ કર્મચારીઓ તેમજ અધિકારીઓ તથા માધ્યમકર્મીઓને પણ આવરી લેવાયા હતા.