દેશમાં અનલોક-4ની તૈયારીઓ વચ્ચે પ્રજાનો અલગ જ અભિપ્રાય
દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે અને દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, કોરોનાને મ્હાત આપીને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન આગામી દિવસોમાં સરકાર શૈક્ષણિક સંસ્થાઓ અને મેટ્રો સહિતની પરિવહન સેવાઓ શરૂ કરવાનું વિચારી રહી છે. જો કે, હજુ પણ દેશવાસીઓમાં કોરોના વાયરસનો ભય યથાવત છે. એક સર્વે અનુસાર દેશના 62 ટકા માતા-પિતા પોતાના સંતાનોને શાળાએ મોકલવા તૈયાર નથી.
એક સંસ્થા દ્વારા દેશના 261 જિલ્લામાં 25 હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 64 ટકા પુરુષ અને 36 ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં લોકોને અનલોક-4માં સ્કૂલ-કોલેજ શરૂ કરવા, મેટ્રો અને લોકલ ટ્રેન શરૂ કરવા મુદ્દે પ્રશ્નો કરવામાં આવ્યાં હતા.
સર્વે અનુસાર, 62 ટકા વાલીઓએ કોરોના મહામારીમાં પોતોના સંતાનોને સ્કૂલમાં મોકલવાનો ઈન્કાર કર્યો હતો. આ ઉપરાંત 94 ટકા લોકોએ થિયેટરમાં ફિલ્મ જોવાની ના પાડી હતી. માત્ર છ ટકા લોકોએ પણ કોરોના મહામારીમાં ફિલ્મ જોવા થિયેટરમાં જવાની તૈયારીઓ દર્શાવી હતી. આ ઉપરાંત 64 ટકા લોકોએ મેટ્રો અને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની ના પાડી હતી. જ્યારે 36 ટકા લોકોએ મુસાફરી કરવાની તૈયારીઓ દર્શાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં અનલોક-4માં સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું વિચારી રહી છે. આ ઉપરાંત મેટ્રો-લોકલ ટ્રેન અને થિયેટર સહિત જ્યાં લોકોની વધારે અવર-જવર છે તેવી સેવાઓ શરૂ કરવાની દિશામાં આગળ વધી રહી છે.