વર્લ્ડ ફોટોગ્રાફી ડે દર વર્ષે 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ તેમના માટે સમર્પિત છે જેમણે ફોટોગ્રાફ્સમાં વિશેષ ક્ષણો કેદ કરી અને તેમને કાયમ માટે યાદગાર બનાવ્યા હતા.. એક સમય હતો જ્યારે લોકો પાસે કેમેરો પણ નહોતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, લોકો ફોટોગ્રાફ્સ લેવા માટે ઘણા કિલોમીટર દૂર ફોટો સ્ટુડિયોમાં જતા હતા. પરંતુ આજે લગભગ દરેક વ્યક્તિ પાસે કેમેરો અથવા કેમેરા વાળો મોબાઇલ હોય છે, જેથી લોકો આરામથી ગમે ત્યાં ફોટો લઈ શકે છે. દુનિયામાં ઘણા લોકો એવા છે કે જેમને ફોટોગ્રાફીનો શોખ છે અને તેમણે પોતાની કારકિર્દી તરીકે ફોટોગ્રાફી પસંદ કરી છે. ખાસ કરીને આવા લોકો માટે અને દુનિયાભરના ફોટોગ્રાફરોને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.
ફોટોગ્રાફી ડેનું મહત્વ
વિશ્વ ફોટોગ્રાફી ડેનું મહત્ત્વ જાગૃતિ લાવવા, વિચારો વહેંચવા અને લોકોને ફોટોગ્રાફીના ક્ષેત્રે આવવા પ્રોત્સાહિત કરવાનું છે. આ દિવસ ફક્ત આ ક્ષેત્રમાં ફાળો આપનાર વ્યક્તિની જ યાદ નથી કરતો, પરંતુ તે આવનારી પેઢીને તેમની કુશળતા બતાવવાની પ્રેરણા પણ આપે છે.
‘ફોટોગ્રાફી ડે’ ઉજવવા પાછળની વાર્તા
‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ ઉજવવા પાછળની વાર્તા સેંકડો વર્ષ જૂની છે. આ દિવસ લગભગ 181 વર્ષ પહેલા બનેલી ઘટના પછી જ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ફ્રાન્સમાં 9 જાન્યુઆરી 1839થી શરૂ થઈ હતી. વિશ્વની પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયા માનવામાં આવતા તે સમયે ડોગોરોટાઇપ પ્રક્રિયાની ઘોષણા કરવામાં આવી હતી. આ પ્રક્રિયાની શોધ ફ્રાન્સના જોસેફ નાઇસફોર અને લૂઇસ ડોગરે કરી હતી. 19 ઓગસ્ટ, 1839ના રોજ ફ્રેન્ચ સરકારે આ શોધની જાહેરાત કરી અને તેનું પેટન્ટ મેળવ્યું. આ દિવસની યાદમાં ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ ની ઉજવણી કરવામાં આવે છે.
1839માં લેવામાં આવી હતી દુનિયાની પહેલી સેલ્ફી
અમેરિકાનો ફોટો પ્રેમી રોબર્ટ કોર્નેલિયસ તે એક એવો વ્યક્તિ હતો જેણે દુનિયાની પહેલી સેલ્ફી ક્લિક કરી હતી. જો કે તે સમયે તે જાણતો ન હતો કે આવા ફોટા ક્લિકને ભવિષ્યમાં સેલ્ફી તરીકે ઓળખવામાં આવશે. આ ફોટો આજે પણ યુનાઇટેડ સ્ટેટ્સની લાઇબ્રેરી ઓફ કાંગ્રેસ પ્રિન્ટમાં ઉપલબ્ધ છે.
_Devanshi