– દેશમાં ઓગસ્ટ માસના પ્રથમ 15 દિવસમાં દેશમાં વીજ ઉત્પાદનમાં 2.6 ટકાનો વધારો
– કેન્દ્રીય ગ્રીડ ઓપરેટર ડેઇલી લોડ ડિસ્પેચ ડેટાના વિશ્લેષણમાં માહિતી સામે આવી
– મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વપરાશ વધતા વીજ ઉત્પાદનમાં પણ વૃદ્વિ જોવા મળી
દેશમાં ઓગસ્ટ માસના પ્રથમ 15 દિવસ દરમિયાન વીજ ઉત્પાદન ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 2.6 ટકા વધી ગયું છે. કેન્દ્રીય ગ્રીડ ઓપરેટર ડેઇલી લોડ ડિસ્પેચ ડેટાના વિશ્લેષણ દ્વારા આ માહિતી મળી છે. જુલાઇમાં વીજ ઉત્પાદનમાં 1.8 ટકાનો ઘટાડો થયો હતો.
પ્રાપ્ત અહેવાલો અનુસાર મુખ્યત્વે ઉત્તરીય રાજ્યોમાં વધુ માંગ તેમજ ઉદ્યોગો ધરાવતા પશ્વિમી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વપરાશમાં વધારો થવાને કારણે વીજ ઉત્પાદનમાં પણ વૃદ્વિ જોવા મળી છે. જો કે જુલાઇના છેલ્લા પખવાડિયા દરમિયાન વીજ ઉત્પાદનમાં 3.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આપને જણાવી દઇએ કોરોના વાયરસની મહામારી અને લોકડાઉન જેવા કારણોસર ઔદ્યોગિક પ્રવૃત્તિમાં સ્થિરતાને કારણે વીજ ઉત્પાદન છેલ્લા 5 મહિનાથી ઘટી રહ્યું છે. ઓગસ્ટના પ્રથમ બે સપ્તાહ દરમિયાન નવીનીકરણીય વીજ ઉત્પાદનમાં 2.3 ટકાનો વધારો થયો છે. જુલાઇ માસ દરમિયાન તેમાં અંદાજે 20 ટકાનો ઘટાડો થયો હતો. સૌર ઉર્જા ઉત્પાદનમાં પણ 19.3 ટકાનો વધારો થયો છે. જો કે પવન ઉર્જા ઉત્પાદનમાં 10 ટકાનો ઘટાડો થયો છે.
દેશમાં વીજળીનો સૌથી મોટો સ્ત્રોત કોલસો છે ત્યારે કોલસાથી વીજ ઉત્પાદનમાં 4.2 ટકાનો વધારો થયો છે. મોટા બંદરો પર થર્મલ અને કોકિંગ કોલસાની આયાત ઘટી છે.
(સંકેત)