– પીએમ કેર્સ ફંડને લઇને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ હતી
– સુપ્રીમ કોર્ટે જો કે આજે સુનાવણી દરમિયાન આ અરજી ફગાવી દીધી
– પીએમ કેર્સના નાણાં એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની આવશ્યકતા નથી – સુપ્રીમ કોર્ટ
પીએમ કેર્સ ફંડને લઇને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી આ અરજીને ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતા જણાવ્યું હતું કે પીએમ કેર્સ ફંડના નાણાં એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની આવશ્યકતા નથી. કોર્ટે ચુકાદા દરમિયાન વધુમાં ઉમેર્યું હતું કે પીએમ કેર્સ ફંડ તેમજ એનડીઆરએફ બે અલગ અલગ ફંડ છે, તેથી કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા બંને સ્થાને દાન કરી શકે છે.
While disposing of the petition, Supreme Court said, no need for fresh national disaster relief plan. https://t.co/zp3A1rejHc
— ANI (@ANI) August 18, 2020
આપને જણાવી દઇએ કે પીએમ કેર્સ ફંડ એક ચેરિટેબલ ટ્રસ્ટની ભૂમિકામાં છે, એક જાહેર હિતની અરજીમાં પીએમ કેર્સ ફંડની રચનાને પડકારવામાં આવી હતી. પીએમ કેર્સ ફંડના પ્રમુખ વડાપ્રધાન છે અને સરકાર તેનું સંચાલન કરી રહી છે. પરંતુ તેનું ઓડિટ કેગને બદલે ખાનગી કંપની કરશે. તે સૂચનાના અધિકાર હેઠળ પણ નહીં આવે.
સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે આ ફંડના નાણાં પહેલાથી જ આ કામ માટે ઉપસ્થિત એનડીઆરએફ તેમજ એસડીઆરએફમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. તે ઉપરાંત આ ફંડમાં સીએસઆરના નાણા જમા કરાવવા અંગે પણ આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. જો કે તમામ દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ તમામ માંગોને ફગાવી દીધી હતી.
(સંકેત)