- સમગ્ર દેશમાં આજે દિવાળીના પર્વ જેવો માહોલ
- અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની શુભ ઘડી
- અતિથિઓને યાદગીરી માટે ચાંદીનો સિક્કો ભેટ અપાશે
સમગ્ર દેશમાં આજે દિવાળીના પર્વ જેવો માહોલ છે કારણ કે આજે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની શુભ ઘડી આવી ચૂકી છે જેના ભાગરૂપે આજે ભૂમિ પૂજન અને શિલાન્યાસનું ભવ્યાતિભવ્ય આયોજન નિર્ધારિત કરેલ છે. રામ મંદિરના નિર્માણની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એ પણ આ આયોજનને યાદગાર બનાવવા માટે કમર કસી છે.
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનમાં પીએમ મોદી સહિત ગણતરીના વ્યક્તિઓને જ આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ આમંત્રિત અતિથિઓ માટે આયોજન યાદગાર બની રહે તે હેતુસર ટ્રસ્ટ કાર્યક્રમમાં ભાગ લેનારા દરેક આમંત્રિતોને યાદીરૂપે એક ખઆસ ચાંદીનો સિક્કો ભેટમાં આપશે. જેમાં પ્રભુ શ્રી રામના દરબાર તેમજ તીર્થ ક્ષેત્રના પ્રતિકનું ચિહ્ન પ્રિંન્ટ થયેલું હશે.
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ સ્પષ્ટતા કરી હતી કે સંપૂર્ણ ભારતમાંથી પ્રમુખ 36 પરંપરાઓના 135 સંત-મહાત્માઓ સહિત કુલ 175 લોકોને પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થનારા ભૂમિ પૂજનના કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
જો કે રામ મંદિરના આંદોલનમાં અગ્રણી રહેલા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ વૃદ્વત્વ તેમજ કોરોના સંક્રમણને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહી શકે.
પીએમ નરેન્દ્ર મોદીની સાથે મંચ પર સંઘ પ્રમુખ મોહન ભાગવત, ટ્રસ્ટ અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ, રાજ્યપાલ આનંદી પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે, ભૂમિ પૂજન માટે સમગ્ર દેશમાંથી 1500થી વધુ પવિત્ર તેમજ ઐતિહાસિક સ્થળોની માટી અને બે હજારથી વધુ સ્થળ, 100 થી વધુ પવિત્ર નદીઓ, કુંડમાંથી રામ ભક્તોએ પવિત્ર જળ મોકલ્યું છે.
(સંકેત)