ગુજરાતમાં કોરોના વાયરસના 1153 કેસ નોંધાયાં, એક દિવસમાં 26704 ટેસ્ટ કરાયાં
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1153 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો વધીને 61 હજારને પાર પહોંચ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. એક જ દિવસમાં 26704 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ એક હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સરકાર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં એક દિવસમાં કુલ 26704 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 410.83 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 7.64 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. સુરતમાં 284, અમદાવાદમાં 176, વડોદરામાં 94, રાજકોટમાં 79, ભાવનગરમાં 47, જામનગરમાં 42, ગાંધીનગર,મહેસાણામાં 40, સુરેન્દ્રનગરમાં 36, મોરબીમાં 29, અમરેલી અને વલસાડમાં 26-26, નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ રાહતની વાત એ છે, 833 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપીને 44907 દર્દીઓ સાજા થયાં છે. 24 કલાકમાં કોરોના મહામારીમાં વધુ 23 દર્દીઓના મોત થયાં હતા. હાલ રાજ્યમાં 4.83 લાખ લોકો ક્વોરન્ટાઈન છે.